કરજણમાં ખેડૂતો વિફર્યાઃ જમીનનું વળતર નહીં મળતાં 11 ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર
વડોદરા, 21 માર્ચ 2024, જિલ્લાના કરજણ તાલુકાના 20 ગામોના ખેડૂતોને એક્સપ્રેસ-વે અને રેલવે કોરીડોર સહિત 3 પ્રોજેક્ટમાં ગયેલી જમીનોનું યોગ્ય વળતર ન મળતા 11 ગામમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે. કરજણ તાલુકાનો છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. આ ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, સરકારે એક્સપ્રેસ-વે અને રેલવે કોરીડોર પ્રોજેક્ટમાં મફતના ભાવે જમીન પડાવી લીધી છે.
ખેડૂતોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા, બોડકા, માંગરોલ, કણભા, હાંડોદ, ખાંધા, માણપુર, કોઠવાડા સહિત 20 જેટલા ગામોની સીમમાંથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે અને રેલવે કોરિડોર પસાર થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા વિવિધ ગામોના 100થી વધુ ખેડૂતોની 300 એકર જમીન સંપાદન કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને જમીનોનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ ન આવતા ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
ખેડૂતોએ કહ્યું 36 હજારમાં અમારી જમીનો પડાવી લીધી
કોઈપણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા તંત્ર અને રાજકીય પક્ષોએ ખેડૂતોને સમજાવવા માટે દોડધામ કરી મૂકી છે.જે 20 જેટલા ગામોની જમીન સરકારના પ્રોજેક્ટોમાં જમીન ગઈ છે તે તમામ ગામના લોકો દ્વારા આજે સાંજ સુધીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવનાર હોવાનું જાણવા મળ્યું છે. જમીનો ગુમાવનાર ખેડૂતોને ગામના અન્ય લોકો પણ સહકાર આપી રહ્યા છે. 36 હજારમાં અમારી જમીનો પડાવી લીધી છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 6 માસથી અમે લડત આપી રહ્યા છીએ પરંતુ, સરકાર દ્વારા અમારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવતા અમારા ગામ સહિત આસપાસના 11 ઉપરાંત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો છે.
આ પણ વાંચોઃપીએમ મોદીના “વિકસિત ભારત” વૉટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચની બ્રેક