ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું અંદરની વાત : બનાસકાંઠામાં નેતા રડી પડ્યા તો ગોંડલમાં શું ‘ખેલ’ ચાલી રહ્યો છે ?
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વાતાવરણમાં પણ જાણે કંઈ નવી જ સોડમ પણ અનુભવ થઈ રહી છે. આ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય રાજકીય પક્ષો વિવિધ દાવપેંચ રમી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોના અંદરોઅંદર પણ કેટલીક વાતચીત અને કેટલીક આંતરિક વિવાદો ચાલી રહ્યા છે તેને જાણવાની અને તમારી સામે રજુ કરવા માટેની એક વિશેષ રજુઆત “હમ દેખ રહે હૈ” માં આજે કેટલાંક મુદ્દાઓ પર આપણે નજર નાખીશું.
ચૂંટણી ટાણે EWS નો જશ લેવા સૌ કોઈ લાઈનમાં
સુપ્રીમ કોર્ટે EWS અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશ આર્થિક આધારે અનામતના સરકારના નિર્ણયની તરફેણમાં, બે ન્યાયાધીશ વિરોધમાં રહ્યા પણ તેની સીધી અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશે તે નક્કી છે. આ વચ્ચે જેના કારણે EWS નો મુદ્દો ઊભો થયો હતો રાજ્યમાં તે પાટીદાર સંસ્થામાં ક્ચાંકને ક્યાંક આ મુદ્દે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પાટીદાર અનામત સંસ્થા (પાસ)ના નેતાઓમાં પણ આ મુદ્દે કેન્દ્ર સરકારની પ્રશંસા કરવામાં આવી ન કે સુપ્રીમ કોર્ટની. જોકે ચૂંટણીના સમયમાં આ પરિણામનો જશ સરકારનો કે કેટલાંક નેતાઓને તે 8 ડિસેમ્બરના પરિણામમાં જોવા મળશે. વિરોધ પક્ષ ભલે આર્થિક પછાતને અનામત આપવા માટે તૈયાર છે પણ ટિપ્પણી કરવા માટે તૈયાર નથી. પણ તેની અસર તેમને 2017ના પરિણામ પર જોઈ જ છે અને આ વખતે જોવા મળશે તે ચોક્કસ છે.
આ પણ વાંચો : ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું કેટલીક અંદરની વાતો, તમામ પક્ષોની વાત અને સાથે મુખ્ય ઘટનાઓ પર નજર
બનાસકાંઠામાં ઉમેદવારી માટે કોંગ્રેસના સભ્ય રડી પડ્યા
હજી તો ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે ત્યારે ક્યાંક ખુશી ક્યાંક વિરોધ અને ક્યાંક તો ચોધાર આંસુ જોવા મળી રહ્યા છે. હાલમાં આવી જ સ્થિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પોપટજી દેલવાડીયા કોંગ્રેસ પક્ષ છોડતા રડી પડ્યા હતા. જેમની માંગણી હતી કે ડીસા બેઠક માટે પ્રબળ દાવેદાર અને ઠાકોર સમાજના અગ્રણી તેમજ જિલ્લા પંચાયતના બે વખત સદસ્ય રહી ચૂકેલા પોપટજી દેલવાડીયા એ પોતાના સમર્થકો મારફતે આ વખતે કોંગ્રેસ મોવડી મંડળને દેસાઈ સમાજ સિવાય અન્ય સમાજને ટિકિટ આપવા તાકીદ કરી હતી. પણ કોંગ્રેસે ડીસાની બેઠક પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇના પુત્ર સંજય રબારીને આપતા અનેક સિનિયર આગેવાનો નારાજ થયા છે. આ પછી રાજીનામું આપતાં સમયે પોપટજી જે રીતે રડી પડ્યા હતા તેમની ચર્ચા ઘણી થઈ રહી છે અને કેટલાંક વધુ ઈચ્છુક ઉમેદવારો આનો ઉપયોગ આગામી સમયમાં ન કરે તો નવાઈ નહીં.
આમ જનતાની વાત કરતી AAP ની યાદીમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર જ નહીં
આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવતી જોવા મળી રહી છે. પણ શું ખરેખર આમ આદમી પાર્ટી ‘આમ’ લોકોની એટલે કે સામાન્ય લોકોની છે કે નહીં ? જો વાત તેમના દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની કરવામાં આવે તો કુલ 11 યાદી જાહેર થઈ છે અને 151 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પણ ક્યાંય મુસ્લિમ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. દરેક ધર્મના લોકોને સાથે લઈને ચાલવાની વાતો કરતી આમ આદમી પાર્ટી ક્યાંક હજી સુધી આ મુદ્દા પર વિચારણા કરી રહી છે કે પછી ડરી રહી છે તે તો પાર્ટીના નેતાઓ જાણે પણ 151 સભ્યોની યાદીમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર જોવા મળ્યો નથી. એ તો થીક અમુક ગણતરીના નામો સિવાય કેટલીક બેઠકો પર એવા નામો જાહેર થયા છે કે તેમની ડિપોઝિટ બચશે કે કેમ તે પણ તેમના જ પક્ષમાં સવાલ છે અને તે પરિણામના દિવસે જ નક્કી થશે.
ગોંડલમાં ‘ખૂબ ખેલા હોબે’
બંગાળની ચૂંટણીથી પ્રખ્યાત થયેલો ‘ખેલા હોબ’ એટલે કે ઘણાં ખેલ કે રમત થવી, જે હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક પર જોવા મળી રહ્યો છે. જેમાં એક તરફ ભાજપમાં જાડેજા વિરુદ્ધ જાડેજાનો જંગ છે ત્યારે ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તે પૂર્વે જ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આ ઉપરાંત ત્યાંથી રમેશ ટિલાળા રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીંગ કરી રહ્યાં છે અને તેમને નરેશ પટેલની સાથે અમિત શાહ સાથે મુલાકાત પણ કરી છે. જેનાથી આ ગોંડલ બેઠક પર મોટા દાવેદારોને શાંત કરવાનું પાર્ટી માટે ચેલેન્જ બની રહ્યું છે. તેમાં પણ જ્યારે સામાજિક આગેવાનોના નામ સામે આવે ત્યારે પાર્ટી તેમને નારાજ કરવામાં સહેજ પણ ભૂલ કરી શકે નહીં. આ જોતાં લાગી રહ્યું છે કે પહેલાં ચરણમાં સૌથી વધુ ‘ખેલ’ ગોંડલ બેઠક પર થશે તે વાત નક્કી છે.
મોદી-શાહ પાસે પ્રચારની કમાન અને ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’
ચૂંટણી પ્રચારની શરૂઆત ભાજપે તેના અંદાજમાં કરી દીધી છે. જેમાં લોકોના અનુમાન પ્રમાણે વડાપ્રધાન મોદીનો જ ચહેરો કેન્દ્રમાં રહ્યો છે. આ વચ્ચે પ્રચારની સંપૂર્ણ કમાન મોદી-શાહ સંભાળી રહ્યા છે તે પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. 27 વર્ષ ભાજપના શાસનને રજુ કરતું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઈનથી પ્રચારની શરૂઆત થઈ છે. પણ ક્યાંકને ક્યાંક સ્થાનિક નેતાઓને આ તમામ મુદ્દાઓથી દૂર જ રાખવામાં આવ્યા છે. અગાઉ ડબલ એન્જીનની સરકાર અને નરેન્દ્ર ભુપેન્દ્રની જોડી વચ્ચે આ ગુજરાત મેં બનાવ્યું છે લોકોના દિલ દિમાગ પર કેવી અસર કરશે તે પણ જોવાનું રહેશે. તેમજ ભાજપ તેના આગામી તમામ રેકોર્ડ તોડશે કે નહીં તેની પણ સૌ કોઈને આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત એન્ટી ઇન્કમ્બન્સીનો ડર ભાજપને મોરબીની ઘટના પછી વધુ લાગી રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને સુરતમાં એકસાથે મતદાનથી જ ઘણાં તીર નિશાના પર
રાજ્યમાં મતદાન માટેની તારીખ જાહેર થઈ ત્યારથી એક મુદ્દો રાજકીય વિશ્લેષ્કોની ચર્ચામાં છે, કે કેમ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક જ દિવસે મતદાન યોજાઈ રહ્યું છે ? 1 ડિસેમ્બરના સુરત સહિત દ.ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે તેની સાથે જ સૌરાષ્ટ્રમાં પણ મતદાન તેજ દિવસે થઈ રહ્યું છે. જો કે સમીકરણની દ્રષ્ટિએ જોવામાં આવે તો સૌરાષ્ટ્રના મુખ્ય નેતાઓનું સુરતમાં વધુ પ્રભુત્વ રહેલું છે. તેમજ ઘણાં એવા નેતાઓ પણ છે જેઓ સૌરાષ્ટ્રની સાથે સાથે દ.ગુજરાતમાં પણ પ્રચાર કરવા માટે જશે. ત્યારે એક જ સમયે મતદાન થવાના કારણે કોંગ્રેસ સહિત સૌરાષ્ટ્ર અને સુરતમાં પગપેસારો કરી રહેલા આમ આદમી પાર્ટીને પ્રચાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેથી એક જ સમયે સૌરાષ્ટ્ર અને સુરતમાં મતદાનથી સુરતની વરાછા, કરંજ, કામરેજ,કતારગામ, ઓલપાડ જેવી બેઠકોની સાથે સાથે સૌરાષ્ટ્રની 23 બેઠકો પર મોટી અસર પાડી શકાય તેવું લાગી રહ્યું છે. જેની સીધી અસર 8 ડિસેમ્બરના પરિણામમાં જોવા મળશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં કોંગ્રેસની બેઠક ગોવાભાઇના પુત્રને જ અપાતા કોંગ્રેસમાં ભડકો