ચૂંટણી 2022 : બનાસકાંઠામાં ચાર બેઠક ભાજપ, કોંગ્રેસને ચાર અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ
- દાંતા, વાવ બેઠક કોંગ્રેસે જાળવી રાખી, વડગામમાં વિજય થયો
- કાંકરેજ બેઠક ભાજપે ગુમાવી
- થરાદ, પાલનપુર, દિયોદર બેઠક ભાજપે કબજે કરી
- ધાનેરાની બેઠક કોંગ્રેસ પાસેથી અપક્ષે આંચકી લીધી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકના પરિણામો આવી ગયા છે. અગાઉ નવ બેઠકો પૈકી માત્ર ડીસા અને કાંકરેજ બેઠક ભાજપ પાસે હતી. જ્યારે સાત બેઠકો કોંગ્રેસ પાસે હતી. આ વખતે 2022 ની ચૂંટણીમાં ભાજપ ચાર બેઠક ઉપર વિજય નીવડી છે. જેમાં દિયોદર અને થરાદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજયી નિવડ્યા છે. જેથી હવે ચાર બેઠકો ભાજપના ફાળે આવી છે. જોકે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થયું છે. અહીંની દાંતા, વાવ બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. અને વડગામ બેઠક પરથી અગાઉ અપક્ષ ધારાસભ્ય રહેલા જીગ્નેશ મેવાણી કૉંગ્રેસમાંથી જીત્યા છે. પરંતુ ધાનેરા અને પાલનપુર બેઠક કોંગ્રેસને ગુમાવી પડી છે.
જ્યારે કાંકરેજ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અને રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા હારી ગયા છે. આ બેઠક ઉપર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના ભાઈ અમૃતજી ઠાકોર ચૂંટાયા છે. એટલે આ બેઠક ભાજપ પાસેથી સરકી ગઈ છે. જ્યારે ધાનેરાની બેઠક કોંગ્રેસ પાસે હતી.આ બેઠક ઉપર ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ ચૂંટાઈ આવ્યા છે. તેમણે ધાનેરામાં કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર નથાભાઈ પટેલને હરાવી અપક્ષે આ બેઠક મેળવી હતી. જ્યારે દિયોદર બેઠક ઉપર ભાજપના કેશાજી ચૌહાણ સામે શીવાભાઈ ભુરીયા હારી ગયા છે. આમ બનાસકાંઠા જિલ્લાની કુલ નવ પૈકી ચાર બેઠકો ભાજપ પાસે જ્યારે ચાર કોંગ્રેસ અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.
ડીસાના પ્રવીણ માળી સૌથી વધુ માર્જીનથી જીત્યા
બનાસકાંઠા વિધાનસભાની 9 બેઠક ના ઉમેદવારો પૈકીના ડીસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીને 41,403 મતની જંગી લીડ મળી છે. જે જિલ્લાની તમામ બેઠકો ઉપરના જીતેલા ઉમેદવારોના માર્જિનથી સૌથી વધુ છે.
મંત્રીને પરાજયનો સામનો કરવો પડ્યો
બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠક ઉપરથી ગઈ ચૂંટણીમાં ભાજપમાંથી જીતીને રાજ્યના મંત્રી બનેલા કિર્તીસિંહ વાઘેલાને હારનો સામનો કરવો પડ્યો છે.જેમાં કોંગ્રેસના ઉમેદવાર અમરતજી ઠાકોર 5295 મતના માર્જિનથી વિજેતા બન્યા હતા.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં તખ્તોપલટ કરીને ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું, જાણો પરિણામ
કઈ બેઠક ઉપર ત્રણ વિજેતા બન્યું
ડીસા : પ્રવીણ માળી, ભાજપ,41403 માર્જીન
પાલનપુર : અનિકેત ઠાકર, ભાજપ, 26980 માર્જીન
થરાદ : શંકરભાઈ ચૌધરી, ભાજપ, 25865 માર્જીન
દિયોદર : કેશાજી ચૌહાણ, ભાજપ,38414 માર્જીન
દાંતા : કાંતિલાલ ખરાડી, કોંગ્રેસ, 5580 માર્જીન
વાવ : ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ, 15237 માર્જીન
કાંકરેજ : અમરતજી ઠાકોર, કોંગ્રેસ, 5295 માર્જીન
વડગામ : જીગ્નેશ મેવાણી, કોંગ્રેસ, 4796 માર્જીન
ધાનેરા : માવજીભાઈ દેસાઈ, અપક્ષ, 35,696 માર્જીન