ચૂંટણી 2022 : ડીસામાં પક્ષ- અપક્ષની ઇલેવન વચ્ચે ચૂંટણી જંગ
પાલનપુર : ડીસા વિધાનસભા બેઠક માટે સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમય બાદ કુલ 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેથી ડીસામાં હવે છ રાજકીય પાર્ટીઓ અને પાંચ અપક્ષોની ઇલેવન વચ્ચે ચૂંટણી જંગ જામશે. ડીસા વિધાનસભા બેઠક માટે કુલ 17 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
જેમાં આજે ફોર્મ ભરવાના અંતિમ સમય સુધીમાં છ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, પ્રજા વિજય પક્ષ, ગરવી ગુજરાત પાર્ટી અને નેશનલ મહાસભા એમ છ
રાજકીય પાર્ટીઓના ઉમેદવારો તેમજ પાંચ અપક્ષ ઉમેદવારોએ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જોકે ડીસામાં મુખ્ય હરીફાઈ તો ભાજપ ના ઉમેદવાર પ્રવીણભાઈ માળી, કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ.રમેશ પટેલ અને અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર વચ્ચે રહેશે. એ જોતા ડીસામાં ચાર પાંખીઓ જંગ જામશે તેમ કહી શકાય.