ચૂંટણી 2022 : ડીસાના રાણપુર ગામે ભાજપના આગેવાનો પર કોંગ્રેસ કાર્યકરોનો હુમલો


બનાસકાંઠા : ડીસા તાલુકાના રાણપુર ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના બે આગેવાનો ઉપર કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરાયો હુમલો કરાયો છે. જોકે મોડે સુધી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. આ બનાવને લઈ સમગ્ર ડીસામાં રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
બનાસકાંઠામાં ડીસા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ચાર પાંખીઓ જંગ હોવાને કારણે ચૂંટણી કશમકસ બની રહી છે. આ બેઠક પર ચારે મોટા ગણાતા સમાજના ઉમેદવારો સામ સામે ચૂંટણી લડી રહ્યા છે.અહીં ભાજપે માળી સમાજને, કોંગ્રેસે દેસાઈ સમાજને ,આમ આદમી પાર્ટી એ ચૌધરી સમાજને ટિકિટ આપી છે. જ્યારે સૌથી વધુ મતદારો ધરાવતા ઠાકોર સમાજે અપક્ષ ઉમેદવાર ઉભો કર્યો હોવાના કારણે ચારેય મોટા સમાજના ઉમેદવારો આમને સામને ચૂંટણી લડી રહ્યા છે .
જેના કારણે શરૂઆતથી જ ચૂંટણી જંગ કસમકસ ભર્યો બન્યો છે. ત્યારે આજે ડીસાના રાણપુર ઉગમણાવાસ ગામે ભાજપની ચૂંટણી પ્રચાર સભા ચાલુ હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરો આવી ગયા હતા અને સભા બાદ નીકળતી વખતે બે આગેવાનો પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ ડીસા તાલુકા ભાજપ મહામંત્રી ઈશ્વરભાઈ દેસાઈ દામા અને રબારી સમાજના આગેવાન કલ્યાણ દેસાઈ સાથે મારામારી કરી કપડાં ફાડ્યા હતા. આ બનાવથી સમગ્ર તાલુકામાં હડકમ્પ મચી જવા પામ્યો છે.જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ ડીસામાં સામાજિક સમીકરણો જોતા ચૂંટણી પ્રચારમાં હજુ પણ કોઈ અઘટીત ઘટનાઓ સામે આવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
હુમલાખોરો ગાડીમાં મારો પીછો કરતા હતા: કલ્યાણ રબારી
આ બનાવ અંગે ડીસામાં રબારી સમાજના યુવા અગ્રણી કલ્યાણ રબારીએ જણાવ્યું હતું કે, હુમલાખોરો અગાઉથી જ કારમાં અમારો પીછો કરતા હતા અને રાણપુર ગામે સભા બાદ નીકળતા હતા ત્યારે “તું કેમ સંજય રબારી વિરુદ્ધ જેમતેમ બોલે છે અને ભાજપનો ઝંડો લઈને ફરે છે”. તેમ કહી અચાનક જ અમારી ઉપર હુમલો કરી દીધો હતો.જ્યારે જતા જતા કહેલ કે, “અમને ચૂંટણીમાં જીતવા પછી તમારી બધાની વાત” તેમ કહી ધમકીઓ પણ આપી હતી.