ચૂંટણી 2022 : ગુજરાતમાં આઝાદી બાદ પ્રથમ વખત આ બેઠક ભાજપે મેળવી, રચ્યો ઇતિહાસ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠક મેળવી ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે આજે ભાજપે અહીં વધુ એક રેકોર્ડ પણ કરી નાંખ્યો છે. આઝાદી બાદ સૌપ્રથમ વખત એક એવી બેઠક છે કે જ્યાં ભાજપે જીત મેળવી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.
બોરસદ બેઠક હતી કોંગ્રેસનો અભેદ કિલ્લો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બોરસદ બેઠક પર ભાજપે મોટો અપસેટ સર્જ્યો છે. આઝાદીના 75 વર્ષ બાદ ભાજપે બોરસદ બેઠક પર જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર મનીષ પટેલ અને આપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારને હરાવ્યા છે. બોરસદ વિધાનસભા બેઠક કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો કહેવાતો હતો, જોકે હવે 2022માં આ બેઠક પર ભગવો લહેરાયો છે. આ બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની જીત થઈ હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાજેન્દ્રસિંહ પરમારે ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને હાર આપી હતી. તો 1995થી 2002 એટલે કે, સતત 3 ટર્મ સુધી ભરતભાઈ સોલંકીએ બોરસદ બેઠક પરથી જીત મેળવી હતી.