‘એનસીપી નેતાની સાથે બેસતાં જ ઉલટી થાય છે’ બોલીને ફસાયા એકનાથ શિંદેના મંત્રી
મહારાષ્ટ્ર- 30 ઑગસ્ટ : મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને શિવસેનાના નેતા તાનાજી સાવંતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે નિવેદન આપતા વિવાદ ઊભો થયો છે. તેમનું કહેવું છે કે, ‘હું ક્યારેય એનસીપી સાથે જોડાયો નથી. આટલું જ નહિ તેમણે એમ પણ કહ્યું હતું કે NCP સાથે બેસી રહેવાથી જ મારા શરીરમાં વિચિત્ર હલચલ થાય છે.’
તાનાજી સાવંતે શું કહ્યું?
ધારાશિવમાં એક બેઠક દરમિયાન તાનાજી સાવંતે એમ કહ્યું કે, ‘હું એક કટ્ટર શિવસૈનિક છું. કોઈપણ નેતા કે વ્યક્તિ જે કટ્ટર શિવસૈનિક છે તે ક્યારેય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે બેસી શકે જ નહીં. શરૂઆતથી આજ સુધી એનસીપી નેતાના સાથે બેસવા માત્રથી મને અસ્વસ્થતા અનુભવવા લાગી છે. અમારા બંનેના વિચારો અલગ હોવાથી હું શરૂઆતથી જ તેઓને સહન કરી શકતો નથી, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે પણ જ્યારે હું કેબિનેટની કોઈ બેઠકમાં હાજરી આપું છું ત્યારે તેમાંથી બહાર આવ્યા પછી મને વૉમિટ જેવું થાય છે અને આ વાસ્તવિકતા છે કારણ કે વિચાર ક્યારેય એક દિવસમાં અચાનક જ બદલાઈ શકતા નથી. એવું નથી કે તમે હંમેશા અલગ રહો અને અચાનક કહો કે ચાલો સાથે મળીને કામ કરીએ…આવું ન થઈ શકે. આ જ હકીકત છે.’
એનસીપી રોષે ભરાઈ
એનસીપીએ આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસેથી જવાબ પણ માંગ્યો છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જૂથના એમએલસી અમોલ મિતકારીએ કહ્યું હતું કે, ‘તાનાજી સાવંતને ખબર નહી કેમ ઉલટી જેવું થાય છે. તાનાજી આરોગ્ય મંત્રી છે અને તેમના સ્વાસ્થ્યને તેની સાથે કંઈક લેવાદેવા હોઈ શકે છે. પરંતુ મહાયુતિમાં હોવાને કારણે જ તેમને ઉબકા આવે છે, તો આનું કારણ શું હોઈ શકે તે તો એકનાથ શિંદે જ કહી શકે છે.’
આ પણ વાંચો : શું તમે બજારમાં વેચાતું મેંગો જ્યુસ પીવો છો? તો આ જ્યુસ બનાવવાની પ્રક્રિયા કરી દેશે દંગ, જૂઓ વીડિયો