- ક્ષતિયુક્ત પંચનામા, પંચ ફૂટી જવાથી આરોપીઓ નિર્દોષ છૂટે છે
- પંચનામા બાબતે નીતિ ઘડવા ડીજીપીને હાઈકોર્ટે આદેશ આપ્યો
- સમગ્ર માર્ગદર્શિકા ચાર સપ્તાહમાં ઘડી કાઢવા હુકમ કર્યો
નામદાર ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. જેમાં એડવોકેટ એકાંત જી. આહુજાની દલીલ ગ્રાહ્ય રાખી તોહમતદારને નિર્દોષ છોડ્યા પછી ગુનાના પંચનામા બાબતે નીતિ ઘડવા ડીજીપીને હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં ક્ષતિયુક્ત પંચનામા, પંચ ફૂટી જવાથી આરોપીઓ નિર્દોષ છૂટે છે અને ઇન્વેસ્ટિંગ ઓફિસરને પણ આ પંચનામાની એમની જીબાની મારફત પુરવાર કરવાનું હોય છે. પરંતુ ઇન્વેસ્ટિંગ ઓફિસર આવું પંચનામું પુરવાર કરતા નથી.
ક્ષતિયુક્ત પંચનામા, પંચ ફૂટી જવાથી આરોપીઓ નિર્દોષ છૂટે છે
ઉલ્લેખનીય છે કે હાલમાં જે કોર્ટમાં કેસ સામે આવી રહ્યાં છે તેમાં ક્ષતિયુક્ત પંચનામા, પંચ ફૂટી જવાથી આરોપીઓ નિર્દોષ છૂટે છે. ત્યારે વડોદરામાં સાત વર્ષની બાળકીની હત્યાના આરોપી નિર્દોષ છૂટેલા તેમાં હાઇકોર્ટે હવે ગુનાના પંચનામા બાબતે નીતિ ઘડવા ડીજીપીને આદેશ આપ્યો છે. તથા સમગ્ર માર્ગદર્શિકા ચાર સપ્તાહમાં ઘડી કાઢવા હુકમ કર્યો છે.
સંબંધી જરૂરી રિપોર્ટ પણ અદાલત સમક્ષ રજૂ કરવા ડીજીપીને હુકમ
જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ એમ.આર.મેંગડેની ખંડપીઠે હુકમના પાલન સંબંધી જરૂરી રિપોર્ટ પણ અદાલત સમક્ષ રજૂ કરવા ડીજીપીને હુકમ કર્યો હતો. જેમાં કોઇપણ ગુનામાં પોલીસ દ્વારા પંચનામા સહિતની પ્રક્રિયામાં રાખવામાં આવતી કચાશ અને ક્ષતિના કારણે તેમ જ પંચો ફુટી જવાના કારણે ઘણીવાર આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે, તેથી આ બાબતની ગંભીર નોંધ લઇ ગુજરાત હાઇકોર્ટે પંચનામા-પંચો સહિતના મામલે ચાર સપ્તાહમાં એક નીતિ ઘડવા રાજયના પોલીસ મહાનિર્દેશક અને કાયદા સચિવને હુકમ કર્યો છે.
હાઇકોર્ટે આ સમગ્ર માર્ગદર્શિકા ચાર સપ્તાહમાં ઘડી કાઢવા આદેશ કર્યો
રાજયના તમામ પોલીસ મથકો-તપાસનીશ અધિકારીઓને કોઇપણ કેસની તપાસમાં સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓમાં અપાયેલા પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાનમા રાખી કાયદાનુસાર પંચનામા તૈયાર કરવા તેમ જ આવા કેસોમાં જયારે પંચો ફુટી જાય અથવા જુબાનીમાંથી ફરી જાય ત્યારે કયા પ્રકારના પગલાં લેવા તે સહિતના મુદ્દે જરૂરી સૂચનાઓ પરિપત્ર મારફ્તે પણ જારી કરવામાં આવે. હાઇકોર્ટે આ સમગ્ર માર્ગદર્શિકા ચાર સપ્તાહમાં ઘડી કાઢવા અને તે અંગેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા પણ હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારો સમયે જ રેશનિંગ અનાજની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ
જાણો શું હતો સમગ્ર મામલો:
એડવોકેટ એકાંત જી. આહુજાએ જણાવ્યું છે કે વડોદરામાં સાત વર્ષની બાળકીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા એક વ્યકિતને નિર્દોષ જાહેર કરતી વખતે તપાસની ખામીઓ અને તપાસ અધિકારી દ્વારા યોગ્ય રીતે પંચનામું કરવામાં આવ્યું નહી હોવાના સહિતની ક્ષતિઓ હાઇકોર્ટના ધ્યાન પર આવી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પંચો એ સ્વતંત્ર વ્યકિતઓ છે કે જેમની હાજરીમાં પંચનામ તૈયાર કરવામાં આવે છે અને કેસના ટ્રાયલ દરમ્યાન તેમનું વલણ બહુ મહત્ત્વતા રાખે છે. હાઇકોર્ટે પોતાના હુકમ મારફ્તે રાજયના કાયદા સચિવ અને રાજયના પોલીસ મહાનિર્દેશકને આ સમગ્ર મામલે નીતિ-માર્ગદર્શિકા તૈયાર કરવાનું ફરમાન કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના ગામ અને શહેરોમાં આજે ઘેર ઘેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
પંચનામુ એટલે શું જાણો વિગતવાર:
આપણે અવારનવાર સાંભળ્યુ હશે. અથવા તો જ્યારે આપણી આસપાસમાં કોઈ ઘટના બને ત્યારે પોલીસ પંચનામુ કરવા આવે અને સફેદ કોરા કાગળ ઉપર કાંઈક લખીને ત્યા હાજર હોય એ લોકોની સહી કરાવી લે છે. સામાન્ય રીતે લોકો પંચનામામાં સહી કરવાથી ગભરાતા હોય છે માટે આજે આપણે પોલીસ પંચનામાની હકીકત જાણીશુ.
કોર્ટમાં દિવસમાં કેટલીય વખત પંચનામુ શબ્દ બોલતો હશે
ભારત દેશના તમામ પોલીસ સ્ટેશનમાં અને તમામ કોર્ટમાં દિવસમાં કેટલીય વખત પંચનામુ શબ્દ બોલતો હશે પણ દેશના કોઈ કાયદામાં પંચનામુ શબ્દનો કાયદાકીય અર્થ કે ઉલ્લેખ આપેલ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશના લગભગ કોઈ કાયદામાં પંચનામુ કરવાની જોગવાઈ નથી છતાંય તમામ દિવાની અને ફોજદારી બાબતોમાં પંચનામુ કરવામાં આવે છે. ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ 100(4) અને 100(5) માંથી પંચનામા અંગેની માર્ગદર્શિકા લેવામાં આવી છે. આ જોગવાઈ મુજબ જ્યારે કોઈ પોલીસ અધિકારી પાસે કોઈ જગ્યાની તપાસ કરવાનુ વોરંટ હોય ત્યારે તપાસ કરતા પહેલા બે જવાબદાર અને સ્વતંત્ર નાગરિકોને સાથે રાખવા પડશે, આ બે વ્યક્તિને કાયદાની ભાષામાં પંચ કહેવામાં આવે છે. જે કિસ્સામાં કોઈ નજરે જોનાર સાક્ષી ન હોય અને આખી ઘટના સંજોગો આધારિત હોય તેવા કિસ્સામાં પંચનામુ ખુબ જ અગત્યનો પુરાવો બની રહે છે. પોલીસે કરેલી તપાસને મજબુત બનાવવા તેમજ ઘટના કે ગુનાને લગતા સ્વતંત્ર સાક્ષીઓ અને પુરાવાઓ ઉભા કરવા માટે થઈને પંચનામુ કરવામાં આવે છે. ટુંકમાં કોઈપણ ઘટના કે ગુનાનમાં પંચો પોલિસની રૂબરૂમાં જે કાંઈ જુએ છે તેનો અહેવાલ એટલે પંચનામુ.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘસવારી આવી, જાણો કયા શહેરોમાં પડશે ભારે વરસાદ
પંચનામામાં શું લખાણ હોય?
કોઈપણ પંચનામામાં પોલીસ સ્ટેશનનું નામ, પંચનામુ કરનાર અધિકારીનો નામ અને હોદ્દો, પંચોના નામ સરનામા અને કામધંધો, પંચનામુ તૈયાર કરવાનુ કારણ અને અપરાધનું ચોક્કસ સ્થળ તેમજ બનાવ અંગેની માહિતી. પંચનામુ ક્યારે શરૂ કરવામાં આવ્યુ તેમજ ક્યારે પુરુ કરવામાં આવ્યુ તેની વિગત અને અંતમાં પંચોની સહી હોય છે. પંચનામાં પંચોએ ઘટના સ્થળે પોતાની નજરે શુ શુ જોયુ તે સમગ્ર હકીકત લખેલી હોય છે.