ચંદ્ર પર બરફના જથ્થામાં આઠ ગણું પાણી, ISROના નવા અભ્યાસમાં થયો ખુલાસો
બેંગલુરુ (કર્ણાટક), 01 મે 2024: ચંદ્ર પર વિચારી ન શકાય એટલા પ્રમાણમાં બરફ છે. પરંતુ તે સપાટીની નીચે છે. જો કે, તેને ખોદીને કાઢી શકાય છે. તેનો ઉપયોગ ચંદ્ર પર કૉલોની બનાવવા માટે થઈ શકે છે. ISROએ આ ખુલાસો કર્યો છે. ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને IIT-ISM ધનબાદના વિજ્ઞાનીઓએ સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો છે. અભ્યાસ પ્રમાણે, ચંદ્રની સપાટીથી લગભગ બેથી ચાર મીટર નીચે અપેક્ષા કરતાં વધુ બરફ છે. અગાઉના અંદાજ કરતાં પાંચથી આઠ ગણું વધુ પાણી બરફના સ્વરૂપમાં છે. બરફનો આ ખજાનો ચંદ્રના બંને ધ્રુવો પર છે. તેથી, જમીનમાં ડ્રિલિંગ કરીને બરફ કાઢી શકાય છે. જેથી કરીને ભવિષ્યમાં મનુષ્ય લાંબા સમય સુધી ચંદ્ર પર રહી શકે. બીજી તરફ, વિશ્વની ઘણી સ્પેસ એજન્સીઓને આનો ફાયદો થશે.
અમેરિકન અવકાશયાન અને ચંદ્રયાન-2ના ડેટાના આધારે અભ્યાસ
ISROના કહેવા મુજબ, ચંદ્રના ઉત્તરી ધ્રુવ પર દક્ષિણી ધ્રુવ કરતાં બમણો બરફ છે. ચંદ્રના ધ્રુવો પર આ બરફ ક્યાંથી આવ્યો આ પ્રશ્નના જવાબમાં ઇસરોનું કહેવું છે કે, આ ઈમ્બ્રિયન કાળની વાત છે. ત્યારે ચંદ્રની રચના થઈ રહી હતી. વૉલ્કેનિઝ્મ એટલે જ્વાળામુખીમાંથી નીકળતો ગેસ લાખો વર્ષોથી સપાટીની નીચે બરફના રૂપમાં ધીમે-ધીમે એકઠો થતો ગયો. વિજ્ઞાનીઓએ અમેરિકન લુનર રિકૉનિસન્સ ઑર્બિટર (LRO) અને ચંદ્રયાન-2 ઑર્બિટરમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરતાં આ અંગે ખુલાસો થયો છે. આ ડેટા LROના રડાર, લેસર, ઑપ્ટિકલ, ન્યુટ્રોન સ્પેક્ટ્રોમીટર, અલ્ટ્રા-વાયોલેટ સ્પેક્ટ્રોમીટર અને થર્મલ રેડિયોમીટરમાંથી લેવામાં આવ્યો છે. જેથી ચંદ્ર પર બર્ફીલા પાણીની ઉત્પત્તિ, ફેલાવો અને વિતરણ સમજી શકાય.
ચંદ્રયાન-2એ પહેલા જ ચંદ્રના ધ્રુવો પર પાણીનો ખજાનો શોધી કાઢ્યો હતો
આશ્ચર્યની વાત એ છે કે આ નવો અભ્યાસ જૂના અભ્યાસથી મેળ ખાય છે. અગાઉના અભ્યાસમાં પણ ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે ચંદ્રયાન-2ના ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપરચર રડાર અને પોલેરીમેટ્રિક રડાર ડેટાનો ઉપયોગ કર્યો હતો. ત્યારે જ ચંદ્રના ધ્રુવીય ક્રેટર્સની અંદર બરફની હાજરી બહાર આવી હતી. આ અભ્યાસ ISRO સહિત વિશ્વભરની અવકાશ એજન્સીઓને તેમના ભાવિ ચંદ્ર મિશનમાં મદદ કરશે. ISRO અથવા અન્ય અવકાશ એજન્સીઓ પાણી શોધવા માટે તેમના મિશન અને ડ્રિલિંગ મશીનો ધ્રુવો પર મોકલી શકે છે.
આ પણ વાંચો: ગગનયાન મિશનની વધુ નજીક પહોંચ્યું ISRO: મહત્ત્વપૂર્ણ પરીક્ષણ કરવા સજ્જ, જાણો