સબસીડીયુક્ત ખાતરનું કાળાબજાર થતું અટકવાવવા પ્રયાસ:ડીસામાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા કો-ઓપરેટીવ સેમિનાર યોજાયો
- ખેડૂતોને આસાનીથી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા વેપારીઓની સૂચના
પાલનપુર : ડીસામાં ઇન્ડિયન પોટાસ લિમિટેડ દ્વારા કો. ઓપરેટિવ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં કંપનીના સંચાલકોએ આ વર્ષે સારા વરસાદને પગલે ખાતરની અછત ન વર્તાય અને ખેડૂતોને રાસાયણિક ખાતરનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપી ખાતરનું કાળા બજાર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે ખેડૂતો અને વેપારીઓને અપીલ પણ કરી હતી.
છેલ્લા ઘણા સમયથી કેટલાક વેપારીઓ ખેડૂતોને મળતુ સબસીડીયુક્ત રાસાયણિક ખાતર બારોબાર કંપનીઓને ઊંચા ભાવે વેચી દેવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતા હવે કંપનીના સંચાલકોએ રાસાયણિક ખાતરનું કાળાબજાર થતું અટકાવવા માટે કમર કસી છે. જે અંતર્ગત ડીસામાં પણ ગઈકાલે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા કો. ઓપરેટીવ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાનાના વેપારીઓ, મંડળીના સંચાલકો અને ખેડૂત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એનપીકે અને ડીએપી ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેની વિસ્તૃત સમજણ મેળવી હતી. તેમજ આ વર્ષે સારો વરસાદ થયો છે. ત્યારે આગામી સિઝનમાં ખાતરની અછત ન વર્તાય અને ખેડૂતોને લાઈનમાં ઊભા રહ્યા વગર આસાનીથી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પણ કંપનીના અધિકારીઓએ વ્યાપારીઓને સૂચના આપી હતી.
સેમિનારમાં આવનાર થરાદના વેપારી દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સેમિનારમાં કંપનીના અધિકારીઓએ આગામી સમયમાં ખેડૂતોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને આસાનીથી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે માહિતી આપી હતી. તેમજ તમામ ખેડૂતોને મશીન વેરિફિકેશન મારફતે ખાતર વિતરણ કરવામાં આવે તેવી સૂચના પણ આપી હતી. આ સેમિનાર અંગે ગુજકોમાસોલના જનરલ મેનેજર જયંતીભાઈએ જણાવ્યું હતું કે, આ સેમિનાર દ્વારા ખેડૂતોને એનપીકે અને ડીએપી સહિત રાસાયણિક ખાતરનો ખેતરમાં કઈ રીતે ઉપયોગ કરવો તેની પૂરી જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે ખેડૂતોને બાયોમેટ્રિક મશીન દ્વારા જ ખાતર મળે અને આ રાસાયણિક ખાતર બારોબાર ઇન્ડસ્ટ્રીઝમાં ન જાય અને ખેડૂતોના ખેતરો સુધી પહોંચે તે માટેની તકેદારી રાખવા માટેની ભારપૂર્વક ભલામણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા લોધા પરિવારનું કરવામાં આવેલ સન્માન