આજથી અમલ : પાલનપુર એરોમા સર્કલની ચારે બાજુ 150 મીટર સુધી હવે ‘નો પાર્કિંગ ઝોન’
પાલનપુર: શહેરના પ્રવેશ દ્વારે આવેલું એરોમા સર્કલ દિવસ રાત વાહનોના ટ્રાફિકથી સતત ધમધમતું રહે છે. આ સર્કલ ઉપર સવારે અને સાંજે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે.
જ્યાં કલાકો સુધી વાહનનો ટ્રાફિક જામ માથાનો દુ:ખાવો બની ગયેલો છે. ત્યારે પાર્કિંગ અને ટ્રાફિકના પ્રશ્નોને નિવારવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં એરોમા સર્કલ થી ચારે બાજુ 150 મીટરના અંતર સુધી ‘નો પાર્કિંગ ઝોન‘ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુર એરોમા સર્કલની ચારે તરફ હોટલો, જીઇબી કચેરી તેમજ શાળા- કોલેજ, હોસ્પિટલ તેમજ જાહેર જનતાની ઘસારા વાળી જગ્યાઓ ઉપર સેવાના વાહનોને અડચણરૂપ થતી હોય છે. જેથી આ અંગે બનાસકાંઠા એસપીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત કરી હતી.
બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયું હતું જાહેરનામુ
જેને લઇને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર એ આ જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાનો આજથી તારીખ 1- 1-2023 થી અમલ શરૂ થઈ ગયો છે. જે આગામી 14 ફેબ્રુઆરી 2023 સુધી અમલમાં રહેશે.
ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
આ જાહેરનામા નો જે કોઈ વ્યક્તિ ભંગ કરશે તેની સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ફરિયાદ થઈ શકે છે. જેના માટે એસપી થી લઈને કોન્સ્ટેબલને ફરિયાદ કરવા માટેની સત્તા આપવામાં આવી છે.
ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ શરૂ
પાલનપુરનું એરોમા સર્કલ વાહનોના ભારે ટ્રાફિકના દબાણ હેઠળ રહે છે. જે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે અને ટ્રાફિક નિયંત્રિત થાય તે માટે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જ્યાં હવે જાહેરનામા બાદ તેનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેથી હવે આગામી દિવસોમાં આ ટ્રાફિકના સિગ્નલો શરૂ થઈ થવાની સંભાવના છે.
આ પણ વાંચો :ઈઝરાયેલે સીરિયા પર હુમલો કર્યો, દમાસ્કસ એરપોર્ટ પર ભારે નુકસાન, 2 સૈનિકો માર્યા ગયા