EDએ દારૂ કૌભાંડમાં દિલ્હીની AAP સરકારના વધુ એક મંત્રીને પાઠવ્યું સમન્સ, જાણો કોણ છે?
- દિલ્હી સરકારના પરિવહન મંત્રીને EDએ પૂછપરછ માટે બોલાવ્યા
નવી દિલ્હી, 30 માર્ચ: દારૂ કૌભાંડ મામલે દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. ત્યારે હવે મળતી માહિતી મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું છે. EDએ આજે શનિવારે કૈલાશ ગેહલોતને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં તપાસ એજન્સીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓની ધરપકડ કરી ચૂકી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, કૈલાશ ગેહલોતએ જૂથનો ભાગ હતો જેણે આ દારૂ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને આ ડ્રાફ્ટ દક્ષિણના ગ્રુપને લીક કરવામાં આવ્યો હતો.
દારૂના ધંધાર્થીને સરકારી મકાન આપવાનો આરોપ
આ ઉપરાંત, AAP નેતા પર દક્ષિણના દારૂના વેપારી વિજય નાયરને તેમનું સત્તાવાર નિવાસસ્થાન આપવાનો પણ આરોપ છે. EDએ અગાઉ એમ પણ કહ્યું હતું કે, કૈલાશ ગેહલોતે આ સમયગાળા દરમિયાન પોતાનો મોબાઈલ નંબર પણ ઘણી વખત બદલ્યો હતો.
ગેહલોત દિલ્હીની AAP સરકારમાં પરિવહન મંત્રી
ઉલ્લેખનીય છે કે, કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં પરિવહન મંત્રી છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં છે.
આ દારૂ કૌભાંડ શું છે?
17 નવેમ્બર 2021ના રોજ, દિલ્હીની કેજરીવાલ સરકારે આબકારી નીતિ 2021-22 લાગુ કરી હતી. આ નવી નીતિ હેઠળ, સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને સમગ્ર દુકાનો ખાનગી હાથમાં ચાલી ગઈ. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે, નવી દારૂ નીતિ માફિયા શાસનનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે. જો કે, આ નીતિ શરૂઆતથી જ વિવાદાસ્પદ હતી અને બાદમાં જ્યારે વિવાદ વધ્યો, ત્યારે સરકારે તેને 28 જુલાઈ 2022ના રોજ રદ કરી દીધી. દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ દ્વારા 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂ કૌભાંડનો ખુલાસો થયો હતો.
આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના LG વી.કે. સક્સેનાએ CBI તપાસની ભલામણ કરી હતી. આ પછી CBIએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિના આરોપો પણ હતા, તેથી EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો.
આ પણ જુઓ: નાગાલેન્ડના આ સંગઠને લોકસભા ચૂંટણીના બહિષ્કારનું કર્યું એલાન, જાણો શું છે કારણ?