બિઝનેસ

FEMAનું ઉલ્લંઘન કરનાર ચીની કંપનીઓ ઉપર તવાઈ, EDએ જપ્ત કર્યા રૂ.5551 કરોડ

Text To Speech
  • વિદેશી હૂંડિયામણ ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું
  • Xiaomi ઉપરાંત ત્રણ બેંકોને ફટકારી શો કોઝ નોટીસ
  • ઉલ્લંઘનની રકમના ત્રણ ગણા સુધીનો દંડ ચૂકવવો પડી શકે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે ચીની મોબાઇલ નિર્માતા Xiaomi અને ત્રણ વિદેશી બેંકોને કથિત વિદેશી વિનિમય ઉલ્લંઘન માટે કારણ બતાવો નોટિસ જારી કરી હતી. Xiaomi, તેના મુખ્ય નાણાકીય અધિકારી અને ડિરેક્ટર સમીર રાવ, ભૂતપૂર્વ MD મનુ જૈન અને ત્રણ વિદેશી બેંકોને નોટિસ જારી કરવામાં આવી છે. ફેમાના ઉલ્લંઘન બદલ ડિરેક્ટોરેટે કંપનીના બેંક ખાતામાંથી મળી આવેલા રૂ.5,551 કરોડ પણ જોડ્યા છે. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. તદનુસાર, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની એડજ્યુડિકેટીંગ ઓથોરિટી (FEMA) એ FEMA ની કલમ 16 હેઠળ Xiaomi ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, તેના બે એક્ઝિક્યુટિવ્સ, Citibank, HSBC Bank અને Dutch Bank AG ને નોટિસ મોકલી છે.

ઉલ્લંઘનની રકમના ત્રણ ગણા સુધીનો દંડ ચૂકવવો પડી શકે

FEMA ની કલમ 37A હેઠળ નિયુક્ત સક્ષમ અધિકારીએ આ જપ્તીના આદેશની પુષ્ટિ કરી છે. ફેમા કેસની તપાસ પૂર્ણ થયા પછી કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવે છે અને જ્યારે કેસનો નિકાલ થાય છે, ત્યારે આરોપીએ ઉલ્લંઘનની રકમના ત્રણ ગણા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. તપાસ એજન્સીએ કહ્યું કે શાઓમીની સાથે જૈન અને રાવને પણ નોટિસ મોકલવામાં આવી છે. EDએ અગાઉ Xiaomi ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના બેંક ખાતામાં જમા કરાયેલા 5,551.27 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે મોકલવાના સંબંધમાં જપ્ત કર્યા હતા.

વિદેશી હૂંડિયામણ ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, Xiaomi India દ્વારા અનધિકૃત રીતે અને કાયદાના ઉલ્લંઘનમાં રૂ.5,551.27 કરોડનું વિદેશી હૂંડિયામણ ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. FEMAની કલમ 37A ની જોગવાઈઓ હેઠળ તેને જપ્ત કરી શકાય છે. જ્યારે કે બેંકના મામલે પણ ઘણા નાણાકીય વહીવટ સામે આવ્યા છે. જે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ અંગે ચોંકાવનારી વિગત સામે આવી શકે છે.

Back to top button