એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવાલા કેસમાં મોટી કાર્યવાહી કરી છે. હવાલા દ્વારા નાણાં ટ્રાન્સફર કરવા સંબંધિત ફેમા કેસમાં EDએ જોયઆલુક્કાસ જ્વેલરી ચેઇનના માલિકની રૂ. 305 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ, ઇડીએ આલ્ફેજિયો લિમિટેડની 16 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી હતી. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જોયઆલુક્કાસ જ્વેલરી કંપની આગામી સમયમાં પોતાનો IPO લોન્ચ કરવા જઇ રહી હતી, જોકે કંપનીએ IPO લાવવાના નિર્ણયને ફરી ટાળી દીધો છે. કંપની 2300 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની તૈયારીમાં હતી. ગત વર્ષે માર્ચ 2022માં કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. હવે સેબી વેબસાઈટ પરના જોવા મળેલા ડોક્યુમેન્ટ મુજબ કંપનીએ આ પ્રોસ્પેક્ટ્સ પાછો ખેંચી લીધો છે.
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જપ્ત કરાયેલી મિલકતોમાં શોભા સિટી, થ્રિસુરમાં જમીન અને રહેણાંક મકાન સહિત 33 સ્થાવર મિલકતો (રૂ. 81.54 કરોડની કિંમતની), ત્રણ બેંક ખાતા (રૂ. 91.22 લાખની થાપણો સાથે), રૂ. 5.58 કરોડનો સમાવેશ થાય છે.”
FEMAની કલમ 37A હેઠળ જોડાયેલ આ મિલકતોની કુલ કિંમત રૂ. 305.84 કરોડ છે. EDએ જણાવ્યું હતું કે આ કેસ હવાલા માર્ગ દ્વારા ભારતથી દુબઈમાં જંગી રોકડ ટ્રાન્સફર અને ત્યારપછી જોયઆલુક્કાસ વર્ગીસની 100 ટકા માલિકીની કંપની જોયાલુક્કાસ જ્વેલરી એલએલસી, દુબઈમાં રોકાણ સાથે સંબંધિત છે.