નવી દિલ્હી, 31 માર્ચ : દિલ્હી લિકર પોલિસી કૌભાંડને લઈને EDએ મોટો ખુલાસો કર્યો છે. EDએ કહ્યું છે કે આ કૌભાંડમાંથી વસૂલવામાં આવેલા રૂ.45 કરોડનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ 2022ની ગોવાની ચૂંટણીમાં પ્રચાર માટે કર્યો હતો. કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સીબીઆઈ અને આવકવેરા વિભાગે પણ તેમની અલગ-અલગ તપાસમાં આ વાતની પુષ્ટિ કરી છે.
હવાલા ઓપરેટરો અને આંગડીયા પેઢીની તપાસ
આ દસ્તાવેજોમાં, EDએ કોર્ટને કહ્યું છે કે કેસની તપાસના ભાગરૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવાલા ઓપરેટરો અને ‘આંગડિયાઓ’ના નેટવર્કની પણ તપાસ કરી રહી છે. EDએ રૂ. 45 કરોડની મની ટ્રેલ બાદ પાંચ ‘આંગડિયા’ પેઢીના સંચાલકોના નિવેદન પણ નોંધ્યા છે. 45 કરોડ રૂપિયા અંગે EDએ દાવો કર્યો છે કે આ નાણાં રાજકારણીઓ અને દારૂના ધંધાર્થીઓ દ્વારા આમ આદમી પાર્ટીને આપવામાં આવેલી કુલ 100 કરોડ રૂપિયાની લાંચની રકમનો એક ભાગ છે. EDનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ આમાંથી 45 કરોડ રૂપિયા ગોવા ચૂંટણી પ્રચાર માટે ખર્ચ્યા હતા.
આ કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ કરાઈ
મહત્વનું છે કે EDએ આ દાવો ત્યારે કર્યો છે જ્યારે હાલમાં જ આ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મની લોન્ડરિંગ માટે તેમની અને તેમની પાર્ટી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. દારુ કૌભાંડમાં દિલ્હીના સીએમ પહેલા ED 16 લોકોની ધરપકડ કરી ચૂકી છે. આ અગ્રણી વ્યક્તિઓમાં તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની એમએલસી પુત્રી કે કવિતા, દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયા અને AAP રાજ્યસભાના સાંસદ સંજય સિંહનો સમાવેશ થાય છે.
AAP એ આરોપો નકાર્યા
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી અને તેના નેતાઓએ વારંવાર કૌભાંડના આરોપોને નકારી કાઢ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા AAPને ભ્રષ્ટ પક્ષ તરીકે રજૂ કરવા માટે આ કેસ ઘડવામાં આવ્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેસમાં સામેલ અન્ય લોકોના નિવેદનો જેમ કે TDP લોકસભાના ઉમેદવાર મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી, તેમના પુત્ર રાઘવ મગુંતા અને ઉદ્યોગપતિ અને અરબિંદો ફાર્માના પ્રમોટર સરથ રેડ્ડી કેજરીવાલને ફસાવવા અને આગામી સામાન્ય ચૂંટણીમાં તેમની ભાગીદારી રોકવા માટે બદલવામાં આવ્યા હતા.