EDએ ઓનલાઈન પેમેન્ટ ગેટવે રેઝરપે, પેટીએમ અને કેશફ્રી જેવી કંપનીઓના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ચાઈનીઝ વ્યક્તિઓ અથવા કંપનીઓ દ્વારા ચલાવાતી ગેરકાયદેસર ઈન્સ્ટન્ટ લોન મામલે ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા છે.
EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “2 સપ્ટેમ્બરે ચાઈનીઝ લોન એપ કેસ સંબંધિત તપાસમાં બેંગલુરુમાં છ સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA 2002)ની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.” આ દરમિયાન ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત આ એપ્સના મર્ચન્ટ આઈડી અને બેંક ખાતાઓમાં રાખવામાં આવેલા 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
EDએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે ઉપરોક્ત સંસ્થાઓ પેમેન્ટ ગેટવે/બેંક સાથે જાળવવામાં આવેલા વિવિધ મર્ચન્ટ આઈડી/અકાઉન્ટ્સ દ્વારા તેમના શંકાસ્પદ ગેરકાયદેસર કારોબાર કરી રહી હતી.” આ સંબંધમાં રેઝરપે પ્રાઇવેટ લિમિટેડ, કેશફ્રી પેમેન્ટ્સ, પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડ અને ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત/સંચાલિત સંસ્થાઓમાં સર્ચ ઓપરેશનમાં હાથ ધરાયું હતુ.
ઈડીએ કહ્યું કે તપાસમાં મળી આવેલ દસ્તાવેજો અને પુરાવાઓ પરથી માલૂમ પડ્યું છે કે આ સંસ્થાઓ પેમેન્ટ ગેટવે અથવા બેંકો પાસે રાખવામાં આવેલ વિવિધ મર્ચન્ટ આઈડી અને ખાતાઓ થકી આ ગુનાહિત આવક ઉભી કરતા હતા. કોર્પોરેટ બાબતોના મંત્રાલયની વેબસાઈટ પર નોંધાયેલા સરનામામાંથી કાર્ય કરી રહ્યાં નથી અને તેમના દ્વારા આપવામાં આવેલા સરનામા પણ નકલી છે.
EDએ કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમની આ તપાસ બેંગ્લોરના વિવિધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો દ્વારા નોંધાયેલી 18 FIR પર આધારિત છે. આ કેસ છેતરપિંડીનો ભોગ બનનાર વ્યકતિઓ દ્વારા આ મોબાઈલ એપ્સ કંપનીઓ સામે કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કાર્યરત 365 લોન એપ અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓની મની લોન્ડરિંગની તપાસમાં EDએ કથિત રીતે 800 કરોડ રૂપિયાથી વધુની ‘ગુનાહિત આવક’નો સ્ત્રોત ઝડપી પાડ્યો છે.