ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં AAPના અનેક નેતાઓના ઘરે ED ત્રાટક્યું, 12 જગ્યાએ પાડયા દરોડા

Text To Speech
  •  મની લોન્ડરીંગ એક્ટ હેઠળ CM કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને સાંસદ એન.ડી. ગુપ્તાના ઘર સહિત કુલ 12 જગ્યાએ EDની રેડ 

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ED)એ AAPના અનેક નેતાઓના ઘરે પર દરોડા પાડ્યા છે.  EDએ મંગળવારે દિલ્હીમાં જલ બોર્ડ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને સાંસદ એન.ડી. ગુપ્તાના ઘરે દરોડા પાડયા છે.  મળતી માહિતી મુજબ, 12થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલુ છે. દિલ્હી, ચંદીગઢ અને વારાણસીમાં AAPના કેટલાક નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિભવ કુમાર, દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમાર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ નારાયણદાસ ગુપ્તા સહિત અન્ય કેટલાક લોકોના ઘરની તપાસ કરી રહ્યું છે.

 

અમે ડરતા નથી: મંત્રી આતિશી

આ દરોડા પર દિલ્હીના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, અમે ડરતા નથી. હજુ સુધી એક રૂપિયો પણ વસૂલવામાં આવ્યો નથી. હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. આરોપીઓને સરકારી સાક્ષીઓ તરીકે ઉપયોગ કરીને સમગ્ર કેસ બનાવવામાં આવ્યો છે. આજે હું ખુલાસો કરવા જઈ રહી છું કે EDએ આ તમામ નિવેદનો છેતરપિંડીથી લીધા હતા. લોકોને ડરાવી-ધમકાવીને ખોટા નિવેદનો પર સહી લેવામાં આવી હતી.

આતિશીએ વધુમાં કહ્યું કે, “સુપ્રીમ કોર્ટના 2020ના આદેશ હેઠળ કોઈપણ તપાસ એજન્સીએ સીસીટીવી કેમેરા દ્વારા પૂછપરછ કરવાની હોય છે. આ ચુકાદો EDને પણ લાગુ પડે છે. જેમાં માત્ર વિડિયો જ નહીં પરંતુ ઓડિયો પણ હોવો જોઈએ એવું લખવામાં આવ્યું છે. દરેક આરોપી અને સાક્ષીને સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મેળવવાનો અધિકાર છે.

અમે તેની તપાસ કરીશું: કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યોને “ખરીદવાનો” પ્રયાસ કરી રહી છે. તેમના આ આક્ષેપો પર દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને મળેલી નોટિસમાં કોઈ FIRનો ઉલ્લેખ નથી. અહીં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા, જ્યારે તેમને નોટિસ અંગેના જવાબ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેજરીવાલે કહ્યું, “અમે તેની તપાસ કરીશું.”

તેમણે કહ્યું કે, “માત્ર એક પાર્ટી છે જે દરેકને ખરીદી રહી છે. જેમણે ગોવા અને કર્ણાટકમાં સરકારો પાડી, મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના ગઠબંધનના ધારાસભ્યોને ખરીદ્યા, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો, અમારા ધારાસભ્યોનો પણ સંપર્ક કર્યો.”

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રવિવારે દિલ્હીના મંત્રી આતિષીના નિવાસસ્થાને પહોંચી હતી અને ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોના સંદર્ભમાં તેમને નોટિસ આપી હતી. કેજરીવાલને શનિવારે નોટિસ મળી હતી. એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ અનેક સમન્સ મોકલ્યા હતા અને કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ આજ સુધી હાજર થયા નથી.

આ પણ વાંચો: કેજરીવાલનો ઘડાકો ‘મને BJPમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું, મારી વિરુદ્ધ ષડયંત્ર છે’

Back to top button