છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના દીકરા પર ઈડીની મોટી કાર્યવાહી, 15 જગ્યાએ દરોડા પાડ્યા


રાયપુર, 10 માર્ચ 2025: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રસના દિગ્ગજ નેતા ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્ય બઘેલના ઠેકાણા પર ઈડીએ દરોડા પાડ્યા છે. ઈડી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, કૂલ 15 જગ્યા પર રેડ પાડવામાં આવી છે. આ મામલો છત્તીસગઢના શરાબ કૌભાંડ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે, ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્યનું નામ આ મામલામાં તપાસ દરમ્યાન સામે આવ્યું હતું.
અહીં ઉલ્લેખનિય છે કે, ED આ મામલે પહેલાથી જ ઘણી મોટી કાર્યવાહી કરી ચૂકી છે. અગાઉ, મે 2024 માં, તપાસ એજન્સીએ ભૂતપૂર્વ IAS અનિલ તુટેજા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની 205.49 કરોડ રૂપિયાની લગભગ 18 જંગમ અને 161 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી.
ED દ્વારા જપ્ત કરાયેલી મિલકતોમાં ભૂતપૂર્વ IAS અનિલ તુટેજાની ૧૪ મિલકતોનો સમાવેશ થાય છે, જેની કિંમત ૧૫.૮૨ કરોડ રૂપિયા છે. જ્યારે, ૧૧૫ મિલકતો અનવર ઢેબરની હતી, જેની કિંમત ૧૧૬.૧૬ કરોડ રૂપિયા હતી. આ સાથે વિકાસ અગ્રવાલની 3 મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત 1.54 કરોડ રૂપિયા હતી. ૩૩ મિલકતો અરવિંદ સિંહની હતી, જેની કિંમત ૧૨.૯૯ કરોડ રૂપિયા હતી. અરુણ પતિ ત્રિપાઠીની ૧.૩૫ કરોડ રૂપિયાની એક મિલકત જપ્ત કરવામાં આવી હતી.