નવી દિલ્હી, 23 ડિસેમ્બર : પ્રતિબંધિત સંગઠન PFIને લઈને EDનો મોટો ખુલાસો સામે આવ્યો છે. મળેલી માહિતી અનુસાર ખાડી દેશોમાંથી હવાલા મારફતે પીએફઆઈના નામે કરોડો રૂપિયાની રોકડ આવી છે. આ સાથે કાળા નાણાને સફેદ કરવા માટે સમર્થકોના ખાતામાં આ રોકડ જમા કરવામાં આવી હતી. જે બાદમાં પીએફઆઈ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ખાડી દેશોમાં પીએફઆઈના હજારો સમર્થકો છે અને ડોનેશનના નામે વિદેશમાંથી કરોડો રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ PFI સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓ પીએફઆઈમાં અલગ-અલગ હોદ્દા પર
ED ના જણાવ્યા અનુસાર આ તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન PFIમાં અલગ-અલગ હોદ્દા પર હતા, જેઓ હવાલા દ્વારા વિદેશમાંથી મળેલા કરોડો રૂપિયાનો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરતા હતા. તેમની ઓળખ ઈએમ અબ્દુલ રહેમાન, અનીસ અહેમદ, અફસર પાશા, એએસ ઈસ્માઈલ અને મોહમ્મદ શફીક તરીકે થઈ છે.
EDની પૂછપરછ દરમિયાન આ બાબતો સામે આવી છે
વધુમાં જાણવા મળ્યા મુજબ ગત તા. 2 મે, 2018 ના રોજ નોંધાયેલા ECIRમાં, તમામ પાંચ આરોપીઓની ED દ્વારા તાજેતરમાં 19 ડિસેમ્બરે દિલ્હીની તિહાર જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ 3 ડિસેમ્બર 2020 ના રોજ PFI સ્થાનો પર દરોડા દરમિયાન રિકવર કરાયેલ સંસ્થાના વિવિધ બેંક ખાતાની વિગતોના આધારે કરવામાં આવી હતી. તમામ આરોપીઓ અલગ-અલગ શહેરોમાં સ્થિત સંસ્થાના બેંક ખાતાના સહી કરનાર અધિકારીઓ હતા. આ તમામને તેમના બેંક ખાતામાં કરોડો રૂપિયાના મની ટ્રેઇલ વિશે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબો ન આપતા અને હકીકતો છુપાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.