EDએ પેરાબોલિક ડ્રગ્સ બેંક ફ્રોડ કેસમાં રૂ. 82 કરોડથી વધુની કિંમતની 24 મિલકતો કરી જપ્ત
નવી દિલ્હી, 27 માર્ચ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પેરાબોલિક ડ્રગ્સ લિમિટેડના બેંક ફ્રોડ કેસમાં કુલ રૂ. 82.12 કરોડની કિંમતની 24 સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે. જે અસ્કયામતો રોકડ, લક્ઝરી કાર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ રસીદો, બેંક બેલેન્સના રૂપમાં છે. આ મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ અટેચ કરવામાં આવી હતી.
EDના ચંદીગઢ એકમે પ્રણવ ગુપ્તા, વિનીત ગુપ્તા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરજીત કુમાર બંસલ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો દ્વારા પીએમએલએ હેઠળ હસ્તગત કરવામાં આવેલી પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ (POC)ની આ મિલકતો જપ્ત કરી હતી.
ED એ ભારતીય દંડ સંહિતા, 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની વિવિધ કલમો હેઠળ CBI દ્વારા દાખલ કરાયેલ FIRના આધારે પેરાબોલિક ડ્રગ્સ લિમિટેડ, તેના પ્રમોટર ડિરેક્ટર્સ પ્રણવ ગુપ્તા, વિનીત ગુપ્તા અને અન્યો વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. EDએ જણાવ્યું હતું કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે 2009 થી 2014ના સમયગાળા દરમિયાન, પેરાબોલિક ડ્રગ લિમિટેડ, તેના ડિરેક્ટર્સ અને અન્ય અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અન્ય બેંકો અને નાણાકીય સંસ્થાઓને 1,626.7 કરોડ રૂપિયાના ભંડોળનો ગેરઉપયોગ કર્યો હતો.