પશ્ચિમ બંગાળમાં ED ફરી એક્શનમાં, બે મંત્રી સહિત ત્રણ TMC નેતાના ઘરે દરોડા


- હુમલા બાદ ED ફરી એક્શન મોડમાં જોવા મળી, મમતા બેનર્જી સરકારના બે મંત્રીઓ સહિત ત્રણ નેતાના ઘરો પર EDએ દરોડા પાડ્યા છે
કોલકાતા, 12 જાન્યુઆરી: પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર થયેલા હુમલા બાદ તપાસ એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે આજે વહેલી સવારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારના બે મંત્રીઓ સહિત ત્રણ નેતાના ઘરો પર મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કૌભાંડ સંબંધિત કેસમાં દરોડા પાડ્યા છે.
EDની એક ટીમ અગ્નિશમન સેવા મંત્રી સુજીત બોઝના બે સ્થળોએ પહોંચી છે, જ્યારે બીજી ટીમ મંત્રી તાપસ રોયના સ્થાન પર દરોડા પાડી રહી છે. એટલું જ નહીં ઉત્તર દમદમ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ટીએમસી નેતા સુબોધ ચક્રવર્તીના ઘરે પણ ED દરોડા પાડી રહી છે.
ટોળાએ ED ટીમ પર હુમલો કર્યો હતો
EDની ટીમ તાજેતરમાં જ રાશન કૌભાંડ કેસમાં TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે પશ્ચિમ બંગાળના સંદેશખાલી પહોંચી હતી. આ દરમિયાન ગ્રામજનોના ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો. ટોળાએ ED અધિકારીઓની સાથે CRPF જવાનોના વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં EDના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ED ડિરેક્ટરે કહ્યું- નિર્ભયતાથી તપાસ કરો
પશ્ચિમ બંગાળમાં ED અધિકારીઓ પર હુમલા બાદ તપાસ એજન્સીના કાર્યવાહક નિર્દેશક રાહુલ નવીન કોલકાતા પહોંચી ગયા હતા. અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે અધિકારીઓને કહ્યું હતું કે ડરશો નહીં, નિર્ભયતાથી તપાસ કરો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યકારી ED ડિરેક્ટરે અધિકારીઓને NIA સાથે મળીને કામ કરવા માટે શાહજહાં શેખના બાંગ્લાદેશ સાથે સરહદ પારના સંબંધોની તપાસ કરવા પણ કહ્યું હતું.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ED વિરૂદ્ધ થયેલી ફરિયાદ ઉપર હાઈકોર્ટનો સ્ટે