ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
પાત્રા ચાલ કેસમાં આખરે સંજય રાઉતની અટકાયત કરતું ED
મહારાષ્ટ્ર શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની અત્યારે ED દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. સંજય રાઉત ઉપર પાત્રા ચાલ કેસમાં રૂ.1034 કરોડના કૌભાંડનો આરોપ લાગ્યો છે. તે અંતર્ગત આજે વહેલી સવારથી તેમના ઘરે EDની ટીમે ધામા નાંખ્યા હતા અને તેઓની પુછપરછ કરવામાં આવતી હતી. લગભગ આઠ કલાકની લાંબી પુછપરછ બાદ તેઓની અટકાયત કરવામાં આવી છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે અને ખળભળાટ મચી ગયો છે.
નવા-નવા બહાના કાઢી હાજર રહેવાનું ટાળતા હતા રાઉત
મહત્વનું છે કે, અગાઉ સંજય રાઉતની 1 જુલાઈએ પૂછપરછ કર્યા બાદ તેમને 20 અને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમના વકીલોએ માહિતી મોકલી હતી કે સંસદના સત્રને કારણે તેઓ 7 ઓગસ્ટ પછી જ હાજર થઈ શકશે. EDએ આ કેસમાં રાઉતની દાદર અને અલીબાગમાં આવેલી પ્રોપર્ટી જપ્ત કરી છે. અગાઉ, EDના સમન્સના મુદ્દે, રાઉતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલા અભિયાનને ટાંકીને હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો. આ કેસમાં સંજય રાઉત મુખ્ય આરોપી છે.
ભાજપે રાઉત પર નિશાન સાધ્યું
આ મામલે બીજેપી નેતા રામ કદમે કહ્યું કે તપાસ બાદ જ્યારે છેતરપિંડી સામે આવે છે ત્યારે ED પૂછપરછ માટે બોલાવે છે. ED પાસે રાઉત વિરુદ્ધ પુરાવા છે. એટલા માટે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યો છે. પરંતુ રાઉત વારંવાર તપાસ એજન્સીને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કદમે વધુમાં જણાવ્યું હતું કે રાઉત તપાસમાં EDને સહકાર આપે તેવી અપેક્ષા હતી. પરંતુ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવાનું કામ કરી રહ્યા છે.
શું છે પાત્રા ચાલ કૌભાંડનો મામલો ?
ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલના પુનઃવિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કામ તેમને મ્હાડા દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ અંતર્ગત મુંબઈના ગોરેગાંવમાં 47 એકર જમીન પર પત્રા ચાલમાં 672 ભાડૂતોના મકાનો રિડેવલપ કરવાના હતા. જેમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મ્હાડાને ગેરમાર્ગે દોર્યું અને ફ્લેટ બનાવ્યા વિના આ જમીન 9 બિલ્ડરોને 901.79 કરોડ રૂપિયામાં વેચી દીધી. બાદમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મીડોઝ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારાઓ પાસેથી ફ્લેટ માટે રૂ. 138 કરોડ એકત્ર કર્યા. દરમ્યાન તપાસમાં બહાર આવ્યું છે કે કન્સ્ટ્રક્શન કંપનીએ ગેરકાયદેસર રીતે રૂ. 1,034.79 કરોડથી વધુની કમાણી કરી હતી. બાદમાં તેણે આ રકમ ગેરકાયદેસર રીતે તેના સહયોગીઓને ટ્રાન્સફર કરી હતી.
સંજય રાઉતની પત્નીના ખાતામાં રૂ.83 લાખ જમા થયા, તેમાંથી ફ્લેટ ખરીદ્યો
ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) ની સિસ્ટર કંપની છે. તપાસમાં સામે આવ્યું છે કે HDILએ પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમથી વર્ષા રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. EDની તપાસ શરૂ થયા બાદ વર્ષા રાઉતે માધુરી રાઉતના ખાતામાં 55 લાખ રૂપિયા મોકલ્યા હતા. ED અનુસાર, પ્રવીણ રાઉતે રાકેશ વાધવાન અને સારંગ વાધવન સાથે મળીને હજાર કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ કરી છે. EDએ પ્રવીણ રાઉત અને તેના નજીકના સહયોગી સુજીત પાટકરના પ્રિમાઈસીસ પર દરોડા પાડ્યા હતા. પ્રવીણ રાઉત અને સંજય રાઉત કથિત રીતે મિત્રો છે. સાથે જ સુજીત પાટકર પણ સંજય રાઉતના નજીકના માનવામાં આવે છે. સુજીત પાટકર પણ સંજય રાઉતની પુત્રી સાથે વાઈન ટ્રેડિંગ કંપનીમાં ભાગીદાર છે.