નેશનલ ડેસ્કઃ સંજય રાઉતની EDએ અડધી રાતે ધરપકડ કરી છે. EDએ PMLA અંતર્ગત અડધી રાતે એટલે કે 12 વાગ્યે સંજયની ધરપકડી કરી હોવાનું જણાવ્યું છે. રાત સાડા બાર વાગતા સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત EDની ઓફિસે પહોંચ્યા હતા. ત્યારબાદ સુનિલ એક બેગ સાથે અંદર જતા જોવા મળ્યા હતા. EDએ સંજયને રવિવાર સાંજે કથિત રીતે કસ્ટડીમાં લીધા હોવાની જાણ કરી હતી.
સંજય રાઉતની ધરપકડ અંગે તેમના ભાઈ સુનિલે જાણકારી આપી હતી. આ સાથે જણાવ્યું હતું કે, ઇડી સંજયથી ડરે છે. તેથી તેમની ધરપકડ કરી છે. બોગસ દસ્તાવેજ દેખાડી સંજય રાઉતને પાત્રા ચોલ સાથે જોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ધરપકડ માત્ર તેમનો અવાજ દબાવવા માટે કરવામાં આવી છે. જે પણ રૂપિયા મળ્યાં છે તે શિવસૈનિકોના અયોધ્યા પ્રવાસના હતા. તે પૈસા પર એકનાથ શિંદે અયોધ્યા યાત્રા લખ્યું પણ છે. ઈડીની ઓફિસ બહાર કેટલાક શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા છે.
હાલ તો સંજય રાઉતને સોમવારે બપોરે PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સંજય રાઉતના ઘરેથી ઇડીને 11.50 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. ત્યાં જ ઇડીના સિનિયર ઓફિસર પણ મોડી રાતે દિલ્હીથી મુંબઈ પહોંચ્યા છે. ત્યારે હાલ સંજય રાઉતની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉદ્ધવે ધરપકડનો અણસાર આપ્યો હતો
રાઉતના ઘરે બુધવારે EDના દરોડા બાદ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે અણસાર આપતા કહ્યું હતું કે, ‘ED રાઉતની ધરપકડ કરી શકે છે. આ બધી કાર્યવાહી લાજ-શરમ મૂકીને કરવામાં આવી રહી છે. આ દમનશાહી નીતિ છે.’
હું ઝૂકીશ નહીં, શિવસેના પણ નહીં છોડું
બુધવારે ED ઓફિસે જતા પહેલાં સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે, ‘માર મારીને મારા વિરોધમાં સબૂત એકઠાં કરવામાં આવી રહ્યા છે. આ શિવસેના અને મહારાષ્ટ્રને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. આનાથી ના તો શિવસેન કમજોર થશે અને ના તો મહારાષ્ટ્ર નબળું થશે. હું ઝૂકીશ નહીં અને પાર્ટી પણ નહીં છોડું.’