EDએ KCRની પુત્રી કવિતાની કરી ધરપકડ, દિલ્હી લઇ જવાશે
તેલંગાણા, 15 માર્ચ : તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી અને એમએલસી કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કે કવિતાની ધરપકડ કરીને દિલ્હી લાવવામાં આવી રહી છે. EDએ શુક્રવારે (15 માર્ચ) હૈદરાબાદમાં BRS નેતાના ઘર પર દરોડા પાડ્યા હતા.દિલ્હી દારૂ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતા EDએ BRS નેતા કવિતાની અટકાયત કરી છે.
આ પહેલા શુક્રવારે જ EDની ટીમે હૈદરાબાદમાં કે કવિતાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીની ટીમ સાથે ઈન્કમટેક્સ અધિકારીઓ પણ હાજર હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ EDની ટીમ સાથે હતા.
‘સાઉથ ગ્રુપ’ સાથે સંકળાયેલા હોવાનો આરોપ
EDના આ દરોડા પહેલા કવિતા તપાસ એજન્સીના અનેક સમન્સ પર હાજર થઈ ન હતી. આ પહેલા EDએ પણ દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા મામલામાં કવિતાની પૂછપરછ કરી હતી. EDએ દાવો કર્યો હતો કે કવિતા લિકર ટ્રેડર્સની લોબી ‘સાઉથ ગ્રુપ’ સાથે જોડાયેલી હતી, જે 2021-22 માટે દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં મોટી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહી હતી.
AAPને લગભગ 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ
દિલ્હી દારૂ કૌભાંડમાં ED આ પહેલા પણ કવિતાની પૂછપરછ કરી ચૂકી છે. અહેવાલો અનુસાર, કવિતા છેલ્લી વખત ED સમક્ષ હાજર થઈ ત્યારે તેણીનો સામનો હૈદરાબાદ સ્થિત વેપારી અને કેસના આરોપી અરુણ રામચંદ્રન પિલ્લઈના નિવેદનોથી થયો હતો, જેની સાથે કથિત રીતે નજીકના સંબંધો હતા. ED મુજબ, પિલ્લઈ ‘સાઉથ ગ્રૂપ’નું પ્રતિનિધિત્વ કરે છે. કથિત રૂપે 2020-21 માટે હવે સમાપ્ત થઈ ગયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી હેઠળ બજારમાં મોટો હિસ્સો મેળવવા માટે AAPને લગભગ 100 કરોડની રકમ લાંચ રૂપે આપવામાં આવી હતી.
આ કેસમાં અન્ય ઘણા મોટા નામ સામેલ છે
ED અનુસાર, ‘સાઉથ ગ્રૂપ’માં સરથ રેડ્ડી (ઓરોબિંદો ફાર્માના પૂર્વ પ્રમોટર), મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી (આંધ્ર પ્રદેશની ઓંગોલ લોકસભા સીટ પરથી YSR કોંગ્રેસ સાંસદ), તેમના પુત્ર રાઘવ મગુંતા, કવિતા અને અન્યનો સમાવેશ થાય છે. EDએ પિલ્લઈના કસ્ટડીના કાગળોમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેણે આ કેસમાં કવિતાના ‘બેનામી રોકાણોનું પ્રતિનિધિત્વ કર્યું હતું’. સીબીઆઈની એફઆઈઆરની નોંધ લઈને ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.