બનાસકાંઠા : ડીસામાં ભરબજારમાં ઇકો ગાડી શાકભાજીઓની લારીઓ પર ફરી વળતાં અફરા – તફરી
- આઠ લોકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા
બનાસકાંઠા 31 જુલાઈ 2024 : ડીસાના બગીચા સર્કલથી પાટણ તરફ ઈકો ગાડી લઈને જતા ચાલકને અચાનક છાતીમાં દુ:ખાવો થતાં ગાડી પર સ્ટેરીંગ નો કાબુ ગુમાવ્યો હતો. ત્યારે રોડની સાઈડમાં ઉભેલી શાકભાજી અને ફ્રુટની લારીઓ ઉપર ઈકો ગાડી ચડી જતા અફડા તફડી મચી હતી. આ ઘટના માં આઠ જેટલા લોકોને ઈજાઓ થતાં બે જેટલી 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ડ્રાઇવર તથા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનામાં રોડ ઉપર શાકભાજીના અને કેળાનો જથ્થો વેરણ – છેરણ થઈ ગયો હતો.
જ્યારે લોકો ના ટોળેટોળા એકઠા થઈ જતાં ટ્રાફિક જામ થતાં દક્ષિણ પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિક દૂર કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અક્સ્માતમાં શાકભાજીના લારીચાલક ને વધુ ઇજાઓ જણાતા પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. શાકભાજી વેચી રોજિંદુ જીવન ગુજારતા એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઈજાઓ થતા પોતાના પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. જ્યારે ઢુવા ગામના ઈકો ગાડીના ચાલક પ્રકાશભાઈ ઠાકોરની પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચો :