અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોર્ડે 1.16 કરોડ રોકડા અને 11.44 કરોડનું સોનું-ચાંદી જપ્ત કર્યું

Text To Speech

અમદાવાદ, 27 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે.રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં 1.16 કરોડ રોકડ, 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર કરતાં વધુ દારૂ, 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, 14 લાખની કિંમતનું 52.26 કિલો ચરસ અને ગાંજો તેમજ મોટરકાર, મોટર સાઈકલ, સિગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની 22.50 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ 42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

4થી જુન 2024ના દિવસે ‘ડ્રાય ડે’ જાહેર કરવા સૂચના
મતદાન વિસ્તારમાં મતદાન પૂરૂ થવાના નિર્ધારિત કલાક સાથે પુરા થતા 48 કલાકના સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે રાજ્યના સમગ્ર વિસ્તારમાં મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થતા 48 કલાકનો સમય અને મતગણતરીનો દિવસ એટલે કે તારીખ 4થી જુન 2024ના દિવસે ‘ડ્રાય ડે’ જાહેર કરવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ નશાબંધી અને આબકારી નિયામકને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. તારીખ 16મી માર્ચ 2024થી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,60,718 તેમજ ખાનગી મિલકતો પરથી કુલ 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તેમજ પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃલોકસભા ચૂંટણી-૨૦૨૪ઃ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ

Back to top button