ફૂડલાઈફસ્ટાઈલહેલ્થ

રોજ સવારે ખાવી આ વસ્તુ, શરીરમાં ક્યારેય નહીં આવે નબળાઈ

Text To Speech

એવા અનેક ફળ, શાક અને દાળ છે જે શરીરના પાચનતંત્રને મજબૂત કરે છે. આ ઉપરાંત એવી ખાદ્ય વસ્તુઓ પણ છે જેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીરની નબળાઈ દૂર થાય છે. તો ચાલો આજે જાણો એવી વસ્તુઓ વિશે જેને રાત્રે પલાળી અને બીજા દિવસે ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.

ખસખસ : ખસખસ વિટામિન બીથી ભરપૂર હોય છે તે મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરે છે. એક ચમચી ખસખસને પાણીમાં રાત્રે પલાળી દેવી. સવારે તેમાં 1 ચમચી મધ ઉમેરી તેનું સેવન કરવું.

અળસી : અળસી શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તે ઓમેગા 3થી ભરપૂર હોય છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. જો કે અળસીની તાસીર ગરમ હોય છે. તેથી તેનું સેવન સપ્તાહમાં બે વખત જ કરવું જોઈએ. અડધી ચમચી અળસીને રાત્રે પાણીમાં પલાળી અને રાખી દેવી. સવારે તેને પાણીમાંથી કાઢી અને ચાવીને ખાઈ લેવી.

કાળા ચણા : ફાયબર અને પ્રોટીનથી ભરપૂર ચણા સવારે ખાવાથી અનેક લાભ થાય છે. સપ્તાહમાં 3થી 4 વખત રોજ રાત્રે એક મુઠ્ઠી ચણા પલાળી અને તેનું સેવન કરવું. સવારે તેને ગોળ સાથે પણ ખાઈ શકાય છે.

કિસમિસ : કિસમિસમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયરન હોય છે. તેનુ સેવન કરવાથી અનેક લાભ થાય છે. રાત્રે 6થી 8 કિસમિસ પાણીમાં પલાળી દેવી. સવારે પાણી કાઢી અને તેનું સેવન કરવું. આ વસ્તુનું સેવન રોજ કરી શકો છો કારણ કે તેનાથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ નાના બાળકોને રોજ 3થી વધારે ન આપવી.

મગ : મગમાં પ્રોટીન, ફાયબર અને વિટામિન બી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સવારે ઊઠી અને મગ ખાવાથી લાભ થાય છે. હાઈ બીપીના દર્દીએ ખાસ તેનું સેવન કરવું જોઈએ.

બદામ : રોજ સવારે રાત્રે પલાળેલી બદામ ખાવી જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. તેનાથી મગજશક્તિ પણ સ્ટ્રોંગ થાય છે. આ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુનું જ સેવન રોજ કરવું. તમારા શરીરની તાસીર અનુસાર એક વસ્તુ પસંદ કરી તેનું સેવન કરવું તેનાથી લાભ થશે.

Back to top button