આપણી ત્વચા અને હેલ્થ બંને નિખરી ઉઠશે. લીલા પાંદડાવાળા શાકભાજીની વાત કરીએ તો પાલકનું નામ સૌથી પહેલા આવે છે. શિયાળામાં મળતી ભાજીઓમાં પાલક મોખરે છે. આમ તો પાલક લગભગ દરેક સીઝનમાં મળી આવે છે, પરંતુ શિયાળામાં પાલક ખાવાની મજા કંઇક ઓર છે. તેનો છોડ લગભગ એકથી દોઢ ફુટ ઉંચો હોય છે. પાલકનું શાક જેટલી સરળતાથી બને છે, તેનું સેવન પણ એટલી જ સરળતાથી તમને સૌંદર્ય અને આરોગ્યના લાભ આપે છે. પાલકના પત્તાનું કોઇ પણ રીતે સેવન કરવું એટલું જ લાભદાયી છે.
પાલકમાં કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, આયર્ન, ખનિજ તત્વો, પ્રોટીન, વિટામીન એ અને વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. ફિટ રહેવા માટે શરીરને તેની જરુર પડે છે. પાલકના પાંદડા શરીરમાં ઘણા પ્રકારના વિકારોને દુર કરવામાં મદદ કરે છે. તે કફ વધતા રોકે છે, શ્ર્વાસ સંબંધિત સમસ્યાઓ, પિત્ત, લોહીનો બગાડ થતા રોકે છે. પાલકના સેવનથી તાવ પણ વ્યક્તિથી દુર રહે છે. પાલકની ભાજી ખાવાથી છાતીમાં અને ફેફસામાં સળગવાની સમસ્યામાં પણ રાહત મળે છે. પાલક શરીરમાં લોહીને શુધ્ધ કરે છે તેથી જો મહિલાઓ પોતાના ચહેરાની ચમક અને સૌંદર્ય વધારવા માંગતી હોય તો તેમણે રોજ કોઇને કોઇ રુપે પાલકનું સેવન કરવું જોઇએ. તમે તેનો રસ બનાવીને કે સુપ બનાવીને પણ પી શકો છો.
પાલકની ભાજીમાં અઢળક ફાઇબર્સ હોવાથી તે પાચનતંત્રની દરેક સમસ્યાઓ દુર કરે છે. તે ખાવાથી પાચનતંત્રમા રેસા ઉમેરાય છે. તેથી પાચન સરળ બને છે. તેનાથી પાચનતંત્ર મજબુત બને છે, હિમોગ્લોબિન વધે છે, આંખોને લાભ થાય છે. મહિલાઓ અને પુરુષોને સતાવતી સૌથી મોટી સમસ્યા અત્યારે હેર ફોલની હોય છે. રોજ પાલકનો જ્યુસ પીવાથી તમે હેર ફોલમાં પણ રાહત મેળવી શકો છો. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની કમી દુર કરવા માટે પાલકનુ સેવન લાભદાયક છે. તેમાં રહેલુ કેલ્શિયમ બાળકો, વૃધ્ધો અને ફિડિંગ કરાવતી માતાઓને ખુબ ઉપયોગી થાય છે.