બિઝનેસ

મગફળી ખરીદી માટેના નિયમો હળવા કરાતાં સિંગતેલના ભાવમાં થશે ઘટાડો

Text To Speech

મોંઘવારી દિવસે દિવસે નવા આયામો સર કરતી જાય છે શાકભાજી, દૂધ, તેલ, અનાજ, કઠોળ, પેટ્રોલ-ડીઝલના ભાવો રેકોર્ડબ્રેક વધ્યા છે. સામાન્ય માણસનું જીવવું કફોડું બનતું જઇ રહ્યું છે તેવામાં આ વર્ષે સિંગતેલના ભાવ પણ રૂ.૩૦૦૦ની સપાટીને અડી ચૂકયા હતા ત્યારે તેમાં રાહત આપવા માટે સરકારની સૂચનાથી નાફેડ દ્વારા સૌરાષ્ટ્રના ઓઇલ મિલરો સાથે મિટીંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલરો દ્વારા તેમને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરવામાં આવી હતી અને કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવા માટે સૂચન આપવામાં આવ્યા હતા. આ સૂચનો ધ્યાને લેતાં નાફેડે નિયમો હળવા કરતા સિંગતેલના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો જોવા મળશે તેવું જાણવા મળી રહ્યું છે.

નાફેડ અને સરકારે યોજી હતી સૌરાષ્ટ્રના ઓઈલ મિલરો સાથે બેઠક

મળતી માહિતી મુજબ પખવાડિયા પૂર્વે ગત તા. ૨૮ – ૮ના રોજ રાજકોટ ખાતે નાફેડના અધિકારીઓ અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલનાં હોદ્દેદારો વચ્ચે સરકારની મધ્યસ્થીથી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સિંગતેલના ભાવમાં ઘટાડો કરવા અંગે સોમાના હોદ્દેદારોએ કેટલાક સૂચનો કર્યા હતા જેના પગલે નાફેડ દ્વારા તેના ઉ૫૨ સંશોધન કરી ગઇકાલે આ સૂચવેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નાફેડ દ્વારા સોમાએ સૂચવેલા મગફળી ખરીદીના ચારેક નિયમોમાં ફેરફાર કરાતાં આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળશે તેવું સોમાના પ્રમુખ કિશોર વીરડિયાએ જણાવ્યું હતુ.

આ નિયમોમાં કરવામાં આવ્યો ફેરફાર

સોમાના પ્રમુખના જણાવ્યા અનુસાર નાફેડ અને સરકાર સાથે થયેલી બેઠકમાં મગફળી ખરીદીના નિયમ જેવા કે, મગફળી ખરીદીનું ૯૫ ટકા પેમેન્ટ ગણતરીના દિવસોમાં જ આપી દેવાનું હતુ. ૨૫૦ મેટ્રીક્ટ ટન સુધીનો જથ્થો ચાર દિવસમાં ન ઉપાડવામાં આવે તો પેનલ્ટી લગાવવામાં આવતી હતી સહિતના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હવેથી ૯૫% પેમેન્ટ કન્ફર્મેશનનાં પાંચ દિવસમાં આપવાનું, ૨૫૦ મેટ્રીકટ ટન સુધીનો જથ્થો ઉપાડવા માટે ૧૦ ફ્રી દિવસનો સમય, કોઇપણ જથ્થો ઉપાડવા માટે જે ફ્રી દિવસો આપવામાં આવ્યા હશે તે પૂર્ણ થઇ જાય અને જથ્થો ઉપાડવાનો બાકી હોય તો નાફેડના જાણ કરવાથી ૩૦ દિવસ સુધીનો વધારાનો સમય આપી શકાશે જેમાં વેર હાઉસનું ભાડુ ખરીદ કરનારે આપવાનું રહેશે, જો આ સમયમાં પણ જથ્થો નહીં ઉપડે તો છ મહિના માટે બેનાફેડની હરાજીમાંથી બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને ઇએમડી તથા બીજી રકમ પણ જપ્ત કરવામાં આવશે ત્યારે નિયમો હળવા થતાં સૌરાષ્ટ્રના ઓઇલ મિલરો નાફેડ પાસેથી આગામી દિવસોમાં મોટાપાયે મગફળીની ખરીદી કરી પીલાણ કરવાનું શરુ કરે તો સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

Back to top button