ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભારત, અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં ભૂકંપ, અફઘાન-પાકિસ્તાનમાં 19 જેટલા લોકોના મોત

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 21 માર્ચની રાત્રે 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે પણ મોટું નુકસાન થયું છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે પાકિસ્તાનમાં ભૂકંપના કારણે 2 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા છે.

અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહ પ્રધાન સિરજાઉદ્દીન હક્કાનીએ દેશભરના તમામ 34 પ્રાંતોના ગવર્નરો અને પોલીસ વડાઓને ભૂકંપથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા અને સહકાર આપવા સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપરાંત ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં અનુભવાયા હતા.

ભૂકંપ સપાટીથી 187 કિમી નીચે આવ્યો

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, મંગળવારની રાત્રે આવેલા ભૂકંપની શરૂઆત સપાટીથી 187 કિમી નીચે આવી હતી. સામાન્ય રીતે હિંદુકુશ પ્રદેશમાં ઊંડા ધરતીકંપો આવે છે, જે 100 કિમી કે તેથી ઓછી ઊંડાઈએ ઉદ્દભવે છે. ઊંડા ધરતીકંપ, જો પૂરતા મજબૂત હોય, તો મોટા ભૌગોલિક વિસ્તારોમાં અનુભવાય છે.

ભારતમાં પણ ભૂકંપના આંચકા

હરિયાણા, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ તરત જ જમ્મુ ક્ષેત્રના કેટલાક ભાગોમાં મોબાઈલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. NCS મુજબ, ભૂકંપનું કેન્દ્ર 156 કિમીની ઊંડાઈએ અક્ષાંશ 36.09 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 71.35 ડિગ્રી પૂર્વમાં હતું. ઉત્તરાખંડમાં ઉત્તરકાશી અને ચમોલી સહિત અનેક સ્થળોએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, “દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. આશા છે કે તમે બધા સુરક્ષિત છો.” આંચકા બાદ પૂર્વ દિલ્હીના શકરપુરમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે બિલ્ડિંગ નમેલી છે, પરંતુ આ માહિતી ખોટી નીકળી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ઇમારત ઝૂકી જવાની માહિતીને પગલે દક્ષિણપૂર્વ દિલ્હીના જામિયા નગરમાં બે ફાયર એન્જિનો રવાના કરવામાં આવ્યા હતા.

‘…અમે જોયું કે પંખા હલી રહ્યા હતા’

નોઈડાના એક રહેવાસીએ કહ્યું કે તેણે સૌથી પહેલા ડાઈનિંગ ટેબલને હલતુ જોયુ. નોઈડામાં હાઈડ પાર્ક સોસાયટીના એક રહેવાસીએ કહ્યું, “તેના થોડા જ સમયમાં અમે જોયું કે પંખા પણ હલી રહ્યા હતા. ભૂકંપની તીવ્રતા ખૂબ જ મજબૂત હતી અને લાંબા સમય સુધી આંચકા અનુભવાયા હતા.” ગાઝિયાબાદની રહેવાસીએ કહ્યું, “અમે લગભગ 30 સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા અને અમે અમારા ઘરની બહાર આવી ગયા.”

Back to top button