“પહેલા હું મોદી સરકારની વિરુદ્ધ હતો, પરંતુ હવે મારા વિચારો બદલાઈ ગયા છે.”: રાજ ઠાકરે
મુંબઈ, 13 એપ્રિલ : રાજ ઠાકરેએ ગુડી પડવા પર તેમની પાર્ટીની વાર્ષિક રેલીમાં વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મહાયુતિ ગઠબંધનને બિનશરતી સમર્થનની જાહેરાત કરી હતી. હવે આજે MNS પ્રમુખ રાજ ઠાકરેએ આ પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે, ગુડી પડવાના દિવસે અમે જાહેરાત કરી હતી કે આ વખતે અમે નરેન્દ્ર મોદીને સમર્થન આપીશું. ઘણા લોકોએ મારા નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. મેં પહેલા 5 વર્ષમાં મોદી સરકારનો વિરોધ કર્યો હતો કારણ કે તે સમયે સ્થિતિ અલગ હતી, પરંતુ જેવી મોદી સરકારે નવી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કર્યું, મારા વિચારો બદલાઈ ગયા.
“મોદીએ ફરીથી પીએમ બનવું જોઈએ”
MNS વડા રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, કલમ 370 હોય, રામ મંદિર હોય કે NRC હોય… રામ મંદિરનું કામ ઘણા દાયકાઓથી અટકેલું હતું. એ કામ કોઈ પૂરું કરી શક્યું નહીં પણ મોદી સરકારે કર્યું. જો પીએમ મોદી ન હોત તો રામ મંદિર ન બન્યું હોત. નરેન્દ્ર મોદીએ ફરી પીએમ બનવું જોઈએ. મોદી સરકારે ભારતની પ્રગતિ માટે ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે.” રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર માટે જે પણ યોજનાઓ મહત્ત્વપૂર્ણ છે, અમે તેને મોદી સરકાર સમક્ષ રજૂ કરીશું. પીએમ મોદીએ ક્યારેય કોઈ રાજ્ય સાથે ભેદભાવ કર્યો નથી. તેઓ ગુજરાતના છે અને તેઓ ગુજરાતને પ્રેમ કરે છે. પરંતુ તે તમામ રાજ્યો માટે યોગ્ય નિર્ણયો લે છે, આજની બેઠકમાં મેં મારા પક્ષના કાર્યકરોને જ્યાં પણ શક્ય હોય ત્યાં મહાયુતિના ઉમેદવારોને સમર્થન આપવા જણાવ્યું છે.
મોદીને સમર્થન આપવાના વિરોધમાં MNS નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી
નોંધનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના ઘણા નેતાઓએ MNS વડા રાજ ઠાકરે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધનને સમર્થન આપવાના વિરોધમાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટીના મહાસચિવ કીર્તિ કુમાર શિંદે, જેઓ એમએનએસ છોડનારાઓમાં સામેલ હતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર તેમના નિર્ણયની માહિતી આપી હતી. બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે MNS ચીફ ઠાકરેએ 2019માં વડાપ્રધાન મોદી અને બીજેપી વિરુદ્ધ સ્ટેન્ડ લીધું હતું.
તેમણે પોસ્ટમાં લખ્યું છે કે આજે પાંચ વર્ષ બાદ રાજ સાહેબે દેશના ઈતિહાસની સૌથી મહત્ત્ત્વની ક્ષણે પોતાની રાજકીય ભૂમિકા બદલી છે. તે કેટલા ખોટા અને કેટલા સાચા છે તે રાજકીય વિશ્લેષકો કહેશે. તેમણે પોસ્ટમાં કહ્યું, “આ દિવસોમાં, નેતાઓ જ્યારે ઇચ્છે ત્યારે ગમે તે રાજકીય ભૂમિકા ભજવી શકે છે. પરંતુ તેમના વિચારોમાં વિશ્વાસ રાખનારા લડવૈયાઓ (પક્ષના કાર્યકરોનો ઉલ્લેખ કરીને) કચડાઈ ગયા છે. આનું શું?”
આ પણ વાંચો :મોદી ચા બનાવશે, હું કુલડી બનાવીશ…! ચૂંટણી લડીશ અને સાંસદ બની પાઠ ભણાવીશ: જુઓ અપક્ષ ઉમેદવારનો Video