અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 પ્લોટની ઈ-ઓક્શનથી હરાજી
- થલતેજમાં આવેલા પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,78,000ની કિંમત નક્કી
- પ્લોટ હરાજીથી વેચાણ મારફતે AMCને અંદાજે રૂ. 1,200થી રૂ. 1,500 કરોડની આવક થવાની ધારણા
- ચાંદખેડામાં સૌથી વધુ 66,168 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 પ્લોટની ઈ-ઓક્શનથી હરાજી કરશે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ.1,500 કરોડ એકત્રિત કરશે. તેમજ ચાંદખેડામાં પ્લોટના અંદાજે 550 કરોડ મળવાની ધારણા છે. તથા થલતેજના પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,78,000ની કિંમત આંકવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: ગિરનાર પર્વત પર પાણીની બોટલનું વેચાણ બંધ, જાણો શું છે કારણ
પ્લોટ હરાજીથી વેચાણ મારફતે AMCને અંદાજે રૂ. 1,200થી રૂ. 1,500 કરોડની આવક થવાની ધારણા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 પ્લોટની ઈ-ઓક્શનથી હરાજી કરવા માટે કવાયત હાથ ધરી છે અને આ પ્લોટ હરાજીથી વેચાણ મારફતે AMCને અંદાજે રૂ. 1,200થી રૂ. 1,500 કરોડની આવક થવાની ધારણા છે. ચાંદખેડામાં પ્લોટના વેચાણ મારફતે અંદાજે રૂ. 550 કરોડ જેટલી આવક મળવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ચાંદખેડાના પ્લોટ માટે દુબઈની અગ્રણી કંપનીએ રસ દર્શાવ્યો છે. ચાંદખેડામાં રિંગરોડ પર આવેલા 66,168 ચો.મી.ના સૌથી મોટા પ્લોટનાં વેચાણમાંથી જ AMCને અંદાજે રૂ. 550 કરોડથી વધુની આવક થવાની શક્યતા છે. ચાંદખેડામાં પ્લોટ સંપાદન કર્યા પછી આંતરરાષ્ટ્રીય કક્ષાનો મોલ બનાવવાનું દુબઈની કંપનીનું આયોજન હોવાનું જાણવા મળે છે. જ્યારે બાકીનાં નવ પ્લોટનાં વેચાણ મારફતે પણ કરોડોની આવક એકત્રિત થશે.
આ પણ વાંચો: ગુજરાતના વિરમગામ અંધાપાકાંડ મામલે થયા ચોંકાવનારા ખુલાસા
થલતેજમાં આવેલા પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,78,000ની કિંમત નક્કી
આ પ્લોટ પૈકી થલતેજમાં આવેલા પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,78,000ની કિંમત નક્કી કરાઈ છે. જ્યારે ચાંદખેડામાં સૌથી વધુ 66,168 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 76,000ની કિંમત નક્કી કરાઈ છે. AMC દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રેસીડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટો હરાજીથી વેચવા માટેની એક દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. અમદાવાદમાં કરોડોના ખર્ચે માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને સાબરમતી રિવરફરન્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવા માટે જંગી નાણાંકીય ખર્ચને પહોંચી વળવા માટે AMC દ્વારા 10 જેટલા પ્લોટ હરાજીથી વેચવાની હિલચાલ હાથ ધરી છે અને આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થનારી દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે. AMC દ્વારા હરાજી મારફતે પ્લોટ ખરીદનારને નાણાં ચૂકવવા માટે ત્રણ મહિનાની મુદત આપવા અને વ્યાજમાં રાહત આપવાની પણ જોગવાઈ કરાઈ હોવાનું જાણવા મળે છે.