હિંમતનગર-શામળાજી હાઈવે પર ટોળાએ DYSPની સળગાવી કાર: જાણો સમગ્ર મામલો
- ટોળાંએ પોલીસ પર કર્યો પથ્થરમારો
સાબરકાંઠા, 24 મે 2024, સાબરકાંઠાના હિંમતનગર- શામળાજી નેશનલ હાઇવે પર વહેલી સવારે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં ગ્રામજનો રોષે ભરાયા હતા. અને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ત્રણથી ચાર ગાડીના કાંચ ફોડી નાખ્યા હતા. તેમજ ડી.વાય.એસ.પીની ગાડીમાં પણ આગચાંપી દીધી હતી. ગ્રામજનોના ટોળાને દૂર કરવા માટે પોલીસે લગભગ 120 જેટલા ટિયરગેસનો મારો ચલાવવો પડ્યો.
શું છે સમગ્ર મામલો ?
સાબરકાંઠાના હિંમતનગર- શામળાજી નેશનલ હાઇવે 8ના ગામડી ગામ પાસે વારંવાર અકસ્માત થાય છે, જેને લઈ ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અમદાવાદ ઉદેપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મૃત્યુ થતા ગ્રામજનોએ હાઈવે પર ટાયર સળગાવીને, પથ્થર, ઝડાના મોટા થડ મુકીને ચક્કાજામ કર્યો. ચક્કાજામને પગલે હાઇવેની બંન્ને તરફ વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. જે બાદ ગાંભોઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે આવેલી પોલીસને પણ ગ્રામજનોએ નિશાને લીધી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ DYSPની ગાડીમાં પણ આગચંપી કરી હતી. આ સાથે ટોળાએ ત્રણથી ચાર ગાડીના કાંચ ફોડી નાખ્યા હતા. ટોળાંએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો છે. હાઇવે પર ટોળાએ હાથમાં કાયદો લેતા પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી છે.
સામાન્ય માણસો ટ્રાફિકજામમાં ફસાયા
આ ચક્કાજામને કારણે સામાન્ય માણસો ટ્રાફિકજામમાં ફસાયા છે. આ ટોળાએ હાઇવે પર મોટા મોટા લાકડા અને પથ્થરો મૂકીને બંને બાજુનો ટ્રાફિક રોકી દીધો છે. હાલ ગાંભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે ઉપરી અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે.
આ પણ વાંચો..યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત: 15 મિનિટ સુધી કારમાં ફસાયા માતા-પુત્રી