ભાણવડ અને પોરબંદરમાંથી દ્વારકા SOGએ 5.95 લાખના દરની રદ્દ કરાયેલી નોટો જપ્ત કરી
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ભાણવડ અને પોરબંદર ખાતેથી જૂની ચલણી નોટો પકડી પાડવામાં આવી છે. ભાણવડ તાલુકાના ચોખંડા ગામથી અને પોરબંદર જિલ્લાના ભાવપર ગામેથી દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસે બે શખ્સોને રૂપિયા 5.95 લાખની 890 નંગ 500ના દરની રદ કરી દેવાયેલ જૂની ચલણી નોટો સાથે પકડી પાડ્યાં છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતો કાના અરજણભાઈ ભાટુ નામનો શખસે સરકાર દ્વારા રદ કરાયેલી ભારતીય ચલણની 500 ના દરની નોટ પોતાના ઘરમાં સંગ્રહી હોવાની જિલ્લાના એસઓજી પોલીસે ચોક્કસ વિગત મળી હતી. આ હકીકતના આધારે એસ.ઓ.જી પીઆઈ સિંગરખીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન કાનાના કબજામાંથી રૂપિયા 3.55 લાખના કિંમતની 710 નંગ 500ના દરની જૂની ચલણી નોટ મળી આવી હતી. આ શખ્સની પૂછપરછ દરમિયાન તેના મિત્ર પોરબંદર જિલ્લાના ભાવપર ગામે રહેતા વાઘાભાઈ રાજા ભાઈ ઓડેદરા પણ પોતાના ઘરે રૂપિયા 500ના દરની જૂની ચલણી નોટો રાખી હોવાની વિગતો સામે આવી હતી.
ઘરની તલાશી લેતા વધુ ચલણી નોટો મળી આવી
જેને લઇને પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ શખ્સના ઘરની તલાશી લેતાં રૂપિયા બે લાખ ચાલીસ હજારની કિંમત 480 નંગ રૂપિયા 500 ના દરની રદ કરી દેવાયેલી જૂની ચલણી નોટો મળી આવી હતી. ભારતીય ચલણમાંથી રદ કરી દેવાયેલી રૂપિયા 500ના દરની કુલ 890 નોટ શખ્સના કબજામાંથી મળી આવી હતી. રૂપિયા 5.95 લાખના કિંમતની આ નોટો કબજે કરી એસ.ઓ.જી પોલીસ દ્વારા બન્ને શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.