કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગ્રેડ-પે બાબતે અવાજ ઉઠાવનાર દ્વારકાના પીએસઆઈ સસ્પેન્ડ

Text To Speech

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ કર્મીઓને આપવામાં આવેલ વિશેષ આર્થિક ભથ્થાઓને લઈને રાજ્યભરમાંથી કચવાટ ઉઠવા પામ્યો છે. ઉચ્ચ ગ્રેડ પેની માંગણી સામે સરકારે મામૂલી વળતર આપ્યાનો કચવાટ અંદરખાને હતો. પરંતુ હવે તે બહાર આવ્યો છે. ત્યારે પ્રસાર માધ્યમોમાં અવાજ ઉઠાવનાર દ્વારકા જિલ્લાના હથિયારધારી પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ પી.એસ.આઈ. દ્વારા આ બાબતે આઈપીએસ અને નેતાઓની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પી.એસ.આઈ.એ મીડિયા સામે આપેલ ઇન્ટરવ્યુ બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નેતાઓ અને આઈપીએસ અધિકારીઓ સામે કર્યા હતા આક્ષેપો

મળતી માહિતી મુજબ તાજેતરમાં દ્વારકા તાલુકાના ઓખા ખાતેના પી.એસ.આઈ. આર.આર. વસાવાએ પ્રસાર માધ્યમોમાં પોતાનો આ અવાજ બુલંદ બનાવ્યો હતો. સરકાર દ્વારા જે ભથ્થું આપવામાં આવ્યું છે તે ના બરાબર છે, એમ પી.એસ.આઈ. વસાવાએ મત દર્શાવ્યો છે. ગ્રેડ – પે નહીં આપી મામુલી પગાર વધારો આપ્યો છે. જે રડતા છોકરાને છાના રાખવા જેવું કામ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત જેને પગાર વધારો મળ્યો છે તે પોલીસ કર્મીઓને ફોર્મ ભરાવી હાથ કાપી લેતા હોવાની પણ તેઓએ લાગણી દર્શાવી હતી. એલઆરડી થી એ.એસ.આઈ. સુધીના જ પોલીસ અધિકારીઓને આ ભથ્થું આપવામાં આવ્યું છે તો શું અન્ય પોલીસ કર્મીઓને ખર્ચની જરૂર નથી ? આવા વેધક સવાલો પણ તેઓએ કર્યા છે . આઈ.પી.એસ. અને નેતાઓની સાંઠગાંઠ હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે. ગ્રેડ પે અને પગાર વધારો કોઈના બાપના ગજવામાંથી માંગતા નહીં હોવાનો પણ પી.એસ.આઈ.એ અંતે ઉગ્રતાપૂર્વક વસવસો ઠાલવ્યો હતો. આ સમગ્ર અંગે ખંભાળિયા પોલીસ મથકમાં એન.સી. નોંધ કરવામાં આવી છે. ત્યારે તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગઈ છે.

Back to top button