કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

દ્વારકા : ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓ 12 દિવસના રીમાન્ડ ઉપર, રીસીવર પણ હાથવેંતમાં

Text To Speech

દેવભુમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ મનાતા ઓખા નજીકના દરિયાની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી બે દિવસ પુર્વે 6 પિસ્તોલ, 12 મેગેઝીન અને 120 જેટલા કારતુસ સાથે નીકળેલા 10 પાકિસ્તાની શખ્સોને એટીએસની ટીમ તથા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલી અલ સોહેલી બોટમાંથી રૂા.280 કરોડનું ડ્રગ્સ ભારતમાં ધુસાડવામાં આવે તે પહેલા જ પોલીસે પકડી પાડયું હતું. ત્યારબાદ ગઇકાલે બુધવારે મોડી રાત્રે ઝડપાયેલા આ તમામ આરોપીઓને ઓખાના ન્યાયાધીશના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવતા આ આરોપીઓના આગામી તા.10 જાન્યુઆરી સુધીના 12 દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

આખો કેસ અમદાવાદ ખસેડવામાં આવ્યો

આ પ્રકરણમાં છ આરોપીને સૌપ્રથમ કોસ્ટગાર્ડની અરિંજય બોટ મારફતે ઓખા લાવવામાં આવ્યા હતા. તે પછી ડ્રગ્સ લાવવા માટે વપરાયેલી અને કરાંચીમાં રજીસ્ટર્ડ થયેલી અલ સોહેલી બોટને અન્ય બોટ સાથે ટોર્ચન કરીને ઓખા પહોંચાડવામાં આવી હતી. જેમાં ચાર પાકિસ્તાની નાગરિકો અત્રે લાવવામાં આવ્યા હતા. જ્યાં એટીએસ તથા અન્ય એજન્સીઓના ટોચના અધિકારીઓ દ્વારા સધન પુછતાછ કરવામાં આવી હતી. આ સમગ્ર ધટનામાં વધુ વિગતો પણ મળશે તેવી સંભાવના સાથે સમગ્ર ધટનાની તપાસનો દોર હવે અમદાવાદ ખસેડાયો છે.

ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે તપાસ

હાલ આ સમગ્ર પ્રકરણની તપાસમાં હોનહાર આઇપીએસ અધિકારી દીપન ભદ્રન, સુનીલ જોષી, ઓમ પ્રકાશ તથા સાથે કે.કે.પટેલ, પીઆઇ કોરાટ, પટેલ ગુર્જર, ચૌધરી સહિતના અધિકારીઓ જોડાયા છે. આગામી દિવસોમાં રીમાન્ડ દરમ્યાન વધુ મહત્વની વિગતો ખુલવા પામે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુમાં આ ડ્રગ્સનો રીસીવર અંગે પણ પોલીસને જાણ થઈ ગઈ હોવાની વિગત ખુલ્લી રહી છે એટલે કે તે પણ હાથવેંતમાં છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Back to top button