કૃષ્ણ ભક્તિનાં રંગમાં રંગાયું દ્વારકા, રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર
કોરોના પછી બે વર્ષ બાદ દ્વારિકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આવતા આ સાલ પ્રત્યક્ષ દર્શન માટેની છૂટ હોવાથી સમગ્ર ભારતમાંથી હજારો ભાવિકો દર્શનલાભ લેવા આવનાર છે ત્યારે અહી જગતમંદિર અને અન્ય સોળ મંદિરોને રોશનીથી ઝળહળા કરવામાં આવ્યા છે. જન્માષ્ટમી મહોત્સવ ઉપર કાળિયાઠાકોરના જન્મોત્સવમાં લાખો ભાવિકો આવવાના હોવાથી કાયદો અને વ્યવસ્થાથી લઈ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. હવે શુક્રવારે રાતના બાર વાગ્યે કાનાનો જન્મોત્સવ ઉજવાય એની સૌને પ્રતીક્ષા છે.
જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ ગોઠવ્યું જડબેસલાક બંદોબસ્ત
મંદિર વ્યવસ્થાપક સમિતિએ દર વર્ષની જેમ આ વર્ષે પણ જગતમંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિર સંલગ્ન અન્ય સોળ મંદિરોને પણ લાઈટિંગ ડેકોરેશનથી દૈદિપ્યમાન બનાવવામાં આવ્યા છે. દ્વારિકાનગરી જાણે કે સોળ શણગાર સજીને તૈયાર થઈ હોય એવો ઉત્સવ માહોલ છે. અહી ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની તમામ સુવિધાઓ નિશ્ચિત કરવામાં આવી છે. ભાવિકો શાંતિથી દર્શન કરી શકે એ માટે આવવા અને જવાના અલગ અલગ ગેટ નકકી કરવામાં આવ્યા છે. તેમજ બન્ને માટે જુદા જુદા માર્ગ નકકી કરવામાં આવ્યા છે. દેશવિદેશથી આવતા યાત્રિકોને માહિતી મળે એ માટે કન્ટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. આવી જ વ્યવસ્થા મંદિર પરિસરમાં કરાઈ છે.