દ્વારકા : બોરવેલમાં ખાબકેલી બાળકી એન્જલને બચાવી લેવાઈ
- કલ્યાણપુર તાલુકાના રાણ ગામની ઘટના
- 8 કલાકનો જહેમત બાદ બાળકીનું સફળ રેસ્ક્યુ કરાયું
- બાળકીને સારવાર માટે જામનગર ખસેડવામાં આવી
દ્વારકા, 1 જાન્યુઆરી : નવા વર્ષના પહેલાં જ દિવસે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની અઢી વર્ષની બાળકી એન્જલ ફળિયામાં રમી રહી હતી. આ દરમિયાન અકસ્માતે એન્જલ 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. જે 8 કલાક બાદ સફળ સાબીત થયું છે અને એન્જલની સલામત બહાર કાઢી લેવામાં આવી છે. તેને જામનગર સારવાર માટે ખસેડવામાં આવી છે.
આર્મી, NDRF, SDRF અને ફાયર વિભાગની સફળ કામગીરી
રાણ ગામે અઢી વર્ષની બાળકી એન્જલ સવારે 12 વાગ્યા આસપાસ પોતાના ઘરના ફળીયામાં રમતી હતી ત્યારે બોરવેલ ઉપર ચડતાની સાથે જ તે અંદર ખાબકી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ તેના માતાને થતા તેણે પરિવારના અન્ય સભ્યોને જાણ કર્યા બાદ સરપંચને જાણ કરતા તેઓ દોડી ગયા હતા અને ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. તેઓ ઘટનાસ્થળે દોડી ગયા બાદ બાળકીને બચાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે કલાકો વિતતા જતા આર્મી, NDRF, SDRF સહિતની ટીમને બોલાવી લેવામાં આવી હતી અને આ તમામની મહેનતના અંતે સફળતા મળી હતી.