ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ડ્યુટી ટાઈમ પૂરો’ પેરિસથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટને જયપુરમાં છોડીને ભાગ્યો પાયલટ

Text To Speech
  • ફ્લાઇટમાં સવાર 180થી વધુ મુસાફરો જયપુર એરપોર્ટ પર 9 કલાક સુધી પરેશાન રહ્યા

જયપુર, 19 નવેમ્બર: પેરિસથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં એક અજીબોગરીબ ઘટના બહાર આવી છે. આ ફ્લાઇટનો પાયલટ પોતાનો ડ્યૂટી ટાઈમ પૂરો થવાને કારણે ફ્લાઇટને અધવચ્ચે જયપુરમાં છોડીને ચાલ્યો ગયો હતો.  પાયલટે કહ્યું કે, “તેની ફરજના કલાકો પૂરા થઈ ગયા છે.” ફ્લાઇટમાં સવાર 180થી વધુ મુસાફરો જયપુર એરપોર્ટ પર 9 કલાક સુધી પરેશાન રહ્યા હતા અને વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી હતી. આ પછી તેમને રોડ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

પેરિસની ફ્લાઇટ જયપુરમાં ફસાઈ

મહત્ત્વપૂર્ણ છે કે, આ ફ્લાઇટ એર ઈન્ડિયાની AI-2022 હતી, જે રવિવારે રાત્રે 10 વાગ્યે પેરિસથી દિલ્હી માટે રવાના થઈ હતી. ફ્લાઇટનો નિર્ધારિત સમય સવારે 10:35નો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેન દિલ્હીમાં ઉતરી શક્યું ન હતું. આ પછી, એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સૂચના પર, પાયલટે ફ્લાઇટને જયપુરમાં લેન્ડ કરાવી, જ્યાં તે બપોર સુધી ફ્લાઇટ માટે ક્લિયરન્સની રાહ જોતો રહ્યો. જ્યારે ક્લિયરન્સ મેળવવામાં વિલંબ થયો અને પાઇલટની ફરજનો સમય પૂરો થઈ ગયો, ત્યારે તેણે ફ્લાઇટ છોડી દીધી હતી, અને બોર્ડ પરના તમામ મુસાફરોને કોઈ સ્પષ્ટ ઉકેલ વિના રાહ જોવા માટે છોડી દીધા હતા.

મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો

રોષે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો અને વૈકલ્પિક ફ્લાઇટની માગણી કરી હતી, પરંતુ એરલાઈન્સ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. જયપુર એરપોર્ટ પર લગભગ 9 કલાક સુધી 180થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ સમયગાળા દરમિયાન, એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોનો અસંતોષ દૂર કરવા માટે તેમને ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી કેટલાક મુસાફરો પોતાના અંગત વાહનોમાં દિલ્હી જવા રવાના થયા હતા. જ્યારે કેટલાકને એરલાઈન્સ કંપની દ્વારા બસ મારફતે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

આ પણ જૂઓ: ઈલોન મસ્કે કેવી રીતે ભારતની સેટેલાઇટ અંતરીક્ષમાં મોકલી? જૂઓ આ દંગ કરનારો વીડિયો

Back to top button