દશેરા પર ફાફડા જલેબી ખરીદવા લોકોની ભીડ, 9 લાખ કિલોથી વધુના વેચાણનો અંદાજ
દશેરા પાવન પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ દિવસે ફાફડા-જલેબી ખાવાની એક અનોખી પરંપરા હોય છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ ગયા વર્ષની સરખામણીએ ખુબ જ વધારે છે જોકે તેમ છતાં અમદાવાદમાં વહેલી સવારથી જ ફાફડા જલેબી ખાવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સ્વાદના રસિયાઓની ફરસાણની દુકાનો પર લાંબી કતારો લાગી ગઇ છે. જેના લીધે વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશેરાના આ દિવસે ગુજરાતમાં ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થાય છે. જેના કારણે વહેપારીઓ અગાઉના બે ત્રણ દિવસથી જ કામે લાગી જાય છે.
ફાફડા જલેબીના ભાવ આસમાને…
દશેરાના તહેવાર પહેલા ફાફડા-જલેબી લવર્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે આ વાનગીઓના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થઈ ગયો છે. જેનો તાજેતરનો ભાવ જોવા જઈએ તો એક કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા વચ્ચે છે, જ્યારે 1 કિલો ફાફડાનો ભાવ 600થી 1000 રૂપિયા સુધી માર્કેટમાં છે.
દશેરા નિમિત્તે અમદાવાદમાં 9 લાખ કિલોથી વધુ ફાફડા-જલેબીના વેચાણનો અંદાજ
અમદાવાદીઓ દર વર્ષે લાખોના ફાફડા આરોગી જતા હોય છે ત્યારે આ વર્ષે અગાઉથી લોકો એ ઓેર્ડર આપીને ફાફડા જલેબી ખરીદી રહ્યા છે. ત્યારે અંદાજ મુજબ આ વર્ષે 9 લાખ કિલોથી વધુ ફાફડા-જલેબીના વેચાણનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે
દશેરાનો પર્વ કેમ ઉજવાય છે ?
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન વિજય દશમી ઉત્સવના ભાગરૂપે દશેરાની ઉજવણી થાય છે. દશેરા એટલે કે વિજયાદશમી કે જે હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રીરામે દશમીના દિવસે અધર્મી રાવણને હણ્યો હતો. એટલું જ નહીં આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના દાનવનો વધ કરીને તેના આતંકથી દેવોને મુક્ત કર્યા હતાં. ત્યારે નવરાત્રીના નવ દિવસ બાદ 10મો દિવસ નવ શક્તિઓના વિજયના ઉત્સવ તરીકે વિજયાદશમી રૂપે ઉજવાય છે.
આજે શહેરભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સુરતમાં દશેરા પર જલેબી અને ફાફડા ખાવાની બહુ જૂની પરંપરા છે. સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવની અસર હવે મીઠાઈઓ પર પણ જોવા મળી રહી છે. જલેબી અને ફાફડાના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : દશેરા: રાવણ દહન અને શમીના પાનનું મહત્વ!