ધર્મનવરાત્રિ-2022

નવરાત્રિમાં ઘટ સ્થાપનનું મહત્વ, શુભ મુહૂર્ત અને પુજા વિઘિ

Text To Speech

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. શારદીય નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને માતાની વિધિપૂર્વક પૂજા કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિની નવ તિથિ એવી છે, જેમાં મુહૂર્ત જોયા વગર કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. નવરાત્રિના શુભ અવસર પર મોટાભાગના લોકો નવો ધંધો શરૂ કરે છે અથવા નવા ઘરમાં પ્રવેશ કરે છે. માતા આદિશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર 26 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થશે અને 05 ઓક્ટોબરે સમાપ્ત થશે. ત્યારે આ નવ દિવસ નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપના અથવા તો ઘટ સ્થાપનાથી કરવામાં આવે છે. નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ તેના મહત્વ વિશે

શા માટે કરવામાં આવે છે ઘટ સ્થાપન?

નવરાત્રિમાં કલશની સ્થાપના સાથે એક દંતકથા જોડાયેલી છે. આ કથા અનુસાર શ્રી હરિ વિષ્ણુ અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા તેથી તેમાં અમરત્વની અનુભૂતિ થાય છે. આ જ કારણ છે કે ઘરના કોઈપણ શુભ પ્રસંગે ઘટ સ્થાપન અથવા કળશ સ્થાપન કરવામાં આવે છે. કહેવાય છે કે કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે અને કળશને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે. કળશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

કળશ સ્થાપનનું મહત્વ:

શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રી પૂજામાં કળશ એ સંકેત છે કે પૂજામાં કળશ દ્વારા તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવમાં આવે છે.

કળશ સ્થાપના વિના પૂજા અધૂરી:

નવરાત્રિની પૂજામાં નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપનાથી માનવામાં આવે છે. કળશની સ્થાપનાને ઘટસ્થાપન પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કળશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, નવરાત્રિ પૂજા પહેલાં ઘટસ્થાપન અથવા કળશની સ્થાપના કરવાની માન્યતા છે. આ માટે જ્યોતિષ શાસ્ત્રી મિતેશભાઈ મહેતાએ જણાવ્યા મુહૂર્ત

ઘટસ્થાપનનું મુહૂર્ત:

  • ઘટસ્થાપનનું સવારનું મુહૂર્ત – સવારે 6:20 થી 7:48 સુધીનું છે
    સવારે 9:18 થી 10:48
    અભિજિત મુહૂર્ત – સવારે 12:06થી બપોરે 12:54 સુધી

કળશ સ્થાપનની વિધિ:

સવારે વહેલા ઉઠી અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા. માટીના વાસણમાં જવના બીજ વાવી અને નવમી સુધી દરરોજ પાણી છાંટવું. સંપૂર્ણ પદ્ધતિ અનુસાર શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના કરવી જોઈએ. આમાં સૌથી પહેલા કળશને ગંગાજળથી ભરી દેવાનો, અને કળશની ફરતે તેના નાગરવેલના પાન લગાવો અને ઉપર નારિયેળ મૂકો. કળશને લાલ કપડાથી લપેટીને લાલ ઘાગાથી બાંધો.  હવે તેની પૂજા કરી ફૂલ,અબિલ ગુલાલ કંકુ લગાવો તેમજ કપૂર, અગરબત્તી, અને દિવો પણ પ્રગટાવો. આમ નવ દિવસ સુધી મા આદ્યશક્તિની પૂજા કરો. તેમજ નવમાં દિવસે નવ કન્યાઓને જમાડી તેમની પૂજા કરો. આ બાદ  અંતિમ દિવસે, દુર્ગા પૂજા પછી ઘટ વિસર્જન કરો.

આ પણ વાંચો: ક્યારથી છે નવરાત્રિ ?, જાણો આઠમ અને નોમનો દિવસ અને શુભ મુહૂર્ત

Back to top button