ગુડ ટચ-બેડ ટચ સેશન દરમિયાન, બાળકીએ શિક્ષકને કહ્યું – મારા પિતા, કાકા અને ભાઈ…
મહારાષ્ટ્ર, 24 જૂન : માનવતાને શરમાવે તેવી એક ઘટના મહારાષ્ટ્રના પુણેમાંથી સામે આવી છે. ગુડ ટચ-બેડ ટચ પર સેશન દરમિયાન 13 વર્ષની માસૂમ બાળકીએ તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈ વિશે તેના શિક્ષકને જે કહ્યું તે સાંભળીને શિક્ષક ચોંકી ગયા. બાળકી પર તેના જ પિતા, કાકા અને પિતરાઈ દ્વારા જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. શાળામાં ગુડ ટચ-બેડ ટચ સેશન દરમિયાન આ બાબત પ્રકાશમાં આવી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
માનવતાને શરમાવે તેવી ઘટના મહારાષ્ટ્રના પુણેના હડપસર વિસ્તારમાં બની હતી, જ્યાં એક 13 વર્ષની માસૂમ બાળકી પર તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈ દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેના પિતરાઈ ભાઈએ વર્ષ 2023માં યુવતી પર રેપ કર્યો હતો અને તેને ધમકી આપી હતી કે તે કોઈને કંઈ ન કહે.
પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, પિતરાઈ ભાઈ બાદ તેના કાકાએ પણ જાન્યુઆરી 2024માં બાળકીનું યૌન શોષણ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું, “જ્યારે છોકરીએ તેના કાકાની હરકતો સામે વિરોધ કર્યો અને ચીસો પાડવાની કોશિશ કરી, ત્યારે તેમણે તેણીને ગંભીર રીતે માર માર્યો હતો. ” પોલીસે જણાવ્યું કે સગીર યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હડપસર પોલીસે આઈપીસીની કલમ 376, 376 (i), 323, 506 અને પોક્સો એક્ટની કલમ 4, 6, 8, 12 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલામાં 22 જૂને એફઆઈઆર નોંધી છે અને ત્રણેયની ધરપકડ કરી છે.
પોલીસ માતાનું નિવેદન પણ નોંધશે
પુણે પોલીસમાં આ કેસના તપાસ અધિકારી અશોક ગાંધલેએ જણાવ્યું હતું કે જ્યારે શાળામાં ગુડ ટચ બેડ ટચ પર સત્ર ચાલી રહ્યું હતું ત્યારે છોકરીએ તેના શિક્ષકને આ વિશે જણાવ્યું અને શિક્ષકે પોલીસનો સંપર્ક કર્યો. મામલો સામે આવ્યા બાદ તમામ જરૂરી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હાલ બાળકીની માતા ગામડે ગઈ છે, તેના પરત ફર્યા બાદ પોલીસ સગીર બાળકીની માતાનું નિવેદન પણ નોંધશે.
આ પણ વાંચો: નકલી ઓળખથી સીમકાર્ડ ખરીદનારને થશે જેલની સજા, 26 જૂનથી નવો ટેલિકોમ કાયદો લાગુઃ જાણો અન્ય જોગવાઈઓ વિશે