ગુજરાતમાં ચૂંટણી સમયે જ MLA ના પૂર્વ પીએ સહિત ત્રણ દારૂ સાથે ઝડપાયા
વિધાનસભાની ચુંટણી જાહેર થતાં જ ઉના પોલીસે કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા એહમદપુર માંડવી પાસે આવેલ ચેકપોસ્ટ પર દિવ કેન્દ્ર સાશીત પ્રદેશમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય ત્યારે દિવ ઘોઘલા વિસ્તારમાંથી આવતી સફેદ કલરની નંબર પ્લેટ વગરની MLA લખેલી ઇનોવા કારને અટકાવી તલાસી લેતા તેમાંથી 8 જેટલી પેટી જોવા મળતા પોલીસે કારની સઘન તપાસ કરી હતી.
કુલ ચાર શખસો દારૂના જથ્થા સાથે ઝડપાયા
પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂની જુદી જુદી કંપનીની 131 બોટલ તેમજ બિયરના 120 ટીન મળી કુલ 251 બોટલ તેમજ બિયરના ટીન મળી આવતા કારચાલક હાર્દિક કિશોર પરમાર (રહે. અનિડા તા.તાલાલા) તેમજ કારમાં બેઠેલા પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પાલીતાણાના ધારાસભ્યના પૂર્વ પી.એ. ચેતન ભીમજીભાઇ ડાભી (રહે. ડુંગરપુર તા.પાલીતાણા) તેમજ મહેબુબ પીરભાઇ લાખેપોટા (રહે. ડુંગરપુર તા.પાલીતાણા) વાળાની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દિવથી ભરેલ હોવાનું જણાવતા ઉના પીએસઆઈ સોમાતભાઇ દેવશીભાઇ બામરોટીયાએ ત્રણેય શખસો અને કારને ઉના પોલીસ સ્ટેશને લાવી ત્રણેય શખસો સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કરી રૂ.૮૨,૪૬૦ નો વિદેશી દારૂ તેમજ ત્રણ મોબાઇલ અને કાર સહીત રૂ.૮,૯૦,૫૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી જેલ હવાલે કરેલ છે.