તહેવાર પહેલા જ અનેક ટ્રેનો હાઉસફૂલ: દિલ્હી-અયોધ્યા વેકેશન માણવા કરવું પડશે વેઇટિંગ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું ઘણા લોકો આગતરુ આયોજન કરતા હોય છે. તેમજ દિવાળી દરમિયાન શાળા કોલેજો સહિત ઓફિસના કામકાજથી પણ થોડા દિવસ માટે રજા મળતી હોય છે. આથી તે રજાની મજા માણવા લોકો ટ્રીપનુ આયોજન કરતા હોય છે. ત્યારે આ દિવાળી તમે પણ વેકેશન માણવા ફરવા જવાનું વિચારી રહ્યા છો અને જો ફરવા માટે ટ્રેંનમાં જવાનુ આયોજન છે અને હજુસુધી ટિકિટ બૂક નથી કરાવી તો તમારે પણ અત્યંત લાંબા વેઇટિંગનો સામનો કરવો પડશે. કેમકે આ વખતે લોકો ફરવા જવા માટે પેહલાથી જ ટિકીટના બુકિંગમાં લાગી ગયા છે જેના કારણે દિલ્હી- હરિદ્વાર-અયોધ્યા જવા માટે સ્લિપરનું વેઇટિંગને ૩૦૦ને પાર થઇ ગયું છે. દિવાળીની રજાઓ જેમ નજીક આવશે તેમ આ વેઇટિંગ હજુ ૪૦૦ને પાર થઇ જાય તેમ મનાઇ રહ્યું છે.
મોટાભાગની ટ્રેન અત્યારથી જ હાઉસફૂલ
આ વખતે ૨૪ ઓક્ટોબર-સોમવારના દિવાળી છે. જેના કારણે ૨૨ ઓક્ટોબર-શનિવારથી જ લોકોમાં દિવાળીના વેકેશનનો માહોલ જામી જશે. અમદાવાદથી ખાસ કરીને ઉત્તર ભારત માટેની મોટાભાગની ટ્રેન અત્યારથી જ હાઉસફૂલ થઇ ગઇ છે. ત્યારે તમે પણ આ ૨૨ ઓક્ટોબરે અમદાવાદથી દિલ્હી જવાનું આયોજન કરી રહ્યા હોવ તો થર્ડ એસીમાં ૧૮૫, સેકન્ડ એસીમાં ૯૬ અને ફર્સ્ટ એસીમાં ૩૧નું વેઇટિંગ છે. આશ્રમ એક્સપ્રેસમાં સ્લિપરમાં ૨૨મીએ ૩૭૭નું, ૨૩મીએ ૨૩૩, ૨૪મીએ ૧૫૩ અને ૨૫મીએ ૨૧૮નું વેઇટિંગ છે. અયોધ્યામાં આગામી ટૂંક સમયમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેના પગલે અયોધ્યા જવા માટે લોકોનો ભારે ધસારો છે.
હરિદ્વારનું વેઇટિંગ પણ ૩૦૦ને પાર
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓ ખાસ કરીને ધાર્મિક જગ્યા પર ફરવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે ખૂબ જ મહત્વ ધરાવતા હરિદ્વારનું પણ વેઇટિંગ પણ ૩૦૦ને પાર પહોચ્યું છે. ત્યારે ફરવા જવા માટે ઉતાવળીયા થઈ રહેલા લોકોમાં આ વખતે ભારે વેઇટિંગને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. ત્યારે આર્થિક રીતે થોડા સક્ષમ લોકો હવાઇયાત્રા તરફ વળ્યા છે. જ્યારે મધ્યમ વર્ગ કે આર્થિક રીતે નબળા લોકો માટે આ લાંબા વેઇટિંગને કારણે બસની મુસાફરી એકમાત્ર વિકલ્પ છે. તાજેતરમાં શરૃ કરાયેલી અમદાવાદ-મુંબઇની વંદે ભારત એક્સપ્રેસ 6 કલાકમાં મુંબઈ પહોચાડતી હોવાના કારણે આમા પણ ટિકીટ બુકિંગ માટે ધસારો જોવા મળી શકે છે.
અમદાવાદથી જતી ટ્રેનમાં આટલુ વેટિંગ જોવા મળી શકે છે.
સ્થળ સ્લિપરમાં વેઇટિંગ
- દિલ્હી ૩૭૭
- હરિદ્વાર ૩૦૩
- વારાણસી ૧૭૪
- જમ્મુ ૧૦૩
- પટણા ૨૯૯
- અયોધ્યા ૩૫૨
- પ્રયાગરાજ ૧૯૩
- આગ્રા ૧૮૮
- ચેન્નાઇ ૧૫૧
- કન્યાકુમારી ૮૬
- હૈદરાબાદ ૧૨૮
- બેંગાલુરુ ૧૦૦
આ પણ વાંચો:દશેરા પર સોના-ચાંદી બજારમાં દિવાળીનો માહોલ, ભાવ વધારા છતાં બમ્પર ખરીદી