ચૂંટણી છે ભઇ….ચૂંટણી છે…. ગુજરાતમાં ચૂંટણીનો પવન ફૂંકાવાનો શરૂ થયા સાથે જ દેશનાં તમામ દિગ્ગજ નેતાઓનો ગુજરાત પ્રેમ અચાનક જ જાગી ગયેલો જોવામાં આવી રહ્યો છે. જી હા, ગુજરાત કે જે ભાજપનો ગઢ ગણવામાં આવે છે અને હાલ દેશનાં બે મહત્વનાં સ્થાને ગુજરાત ભાજપનાં જ પાયાનાં પથ્થર સમા બે નેતા બિરાજમાન છે તે આપણે જાણીએ જ છીએ. વળી ગુજરાતમાં ભાજપ છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે, અને ગુજરાતને જ મોડલ સ્ટેટ તરીકે પ્રમોટ કરી ભાજપે પોણા ભારતમાં ભગવો લહેરાવ્યો હોવાનાં કારણે હાલ તમામ ભાજપ વિરોધી પક્ષોની નજર ગુજરાત પર છે.
ભાજપ વિરોધી દળો ગુજરાતમાં ભાજપની સત્તામાં એનકેન પ્રકારે ગાબડુ પાડી રાષ્ટ્રીય રાજકારણમાં ઉથલ પાથલો કરવાનાં સપના આરી રહ્યા છે. જ્યારે આમ આદમી, ટીએમસી સહિતના પક્ષોનાં નેતાઓ ગુજરાતમાં આટાફેરા કરી રહ્યા છે ત્યારે NCP કેમ બાકી રહી જાય. બસ આજ તર્જ પર NCPના કદાવર નેતા અને સુપ્રીમો શરદ પવાર પણ આગામી બે દિવસ સોમનાથ અને દ્વારકાના પ્રવાસે ગુજરાતમાં આવે તેવી શક્યતા છે.
બિન સત્તાવાર માહિતી મુજબ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને NCPના સુપ્રીમો શરદ પવાર આગામી બે દિવસના પ્રવાસે સોમનાથ અને દ્વારકા આવતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તારીખ 30 ના રોજ સાંજે સોમનાથ અને ત્યાર બાદ સોમનાથ થી દ્વારકા તરફ આવશે અને દ્વારકાથી બીજે દિવસે વહેલી સવારે બાય કાર જામનગર રવાના થશે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને NCPના સુપ્રીમો શરદ પવારની ભૂમિકા મહારાષ્ટ્રમાં શિવસેનાને ભાજપથી અલગ કરી મહાઅગાળી સરકાર બનાવવામાં મહત્વની હતી. હાલ ગુજરાતમાં ચૂંટણીનો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે શરદ પવારનો ગુજરાત પ્રવાસ અનેક સૂચક સંદેશા પાઠવી રહ્યો છે. જો કે, આમ તો શરદ પવાર સોમનાથ – દ્વારકા ખાતે દર્શન કરવા આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે, પણ આને જ તો રાજકારણ કહેવાય છે….