દુલીપ ટ્રોફી : જાણો એક એવા પેસર વિશે જેણે ભલભલા બેટ્સમેનની સ્ટમ્પ ઉખેડી નાખી
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ દુલીપ ટ્રોફી 2024માં સારી શરૂઆત કરી શક્યો નથી. યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે તેને પેવેલિયન મોકલ્યો હતો. રિંકુ પ્રથમ દાવમાં 16 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. ઇન્ડિયા B તરફથી રમી રહેલા રિંકુ સિંહ પાસે બીજી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરવાની તક છે. અંશુલે રિંકુને ઈશાન કિશનના હાથે કેચ કરાવ્યો હતો.
23 વર્ષીય અંશુલ કંબોજે ઇન્ડિયા C તરફથી રમતા પ્રથમ દાવમાં રિંકુ સિંહ, મુશીર ખાન, સરફરાઝ ખાન, નીતિશ રેડ્ડી અને એન જગદીસનને આઉટ કરીને પોતાનો પંજો ખોલ્યો હતો. અંશુલ તેની ઘાતક બોલિંગને કારણે ચર્ચામાં છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી હતી.
અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં ઈન્ડિયા B વિરુદ્ધ ત્રીજા દિવસે અંશુલ કંબોજે અદભૂત બોલિંગ કરી હતી. તેણે એન જગદીસનને આઉટ કરીને વિકેટની શરૂઆત કરી હતી. તે પછી તે એક પછી એક વિકેટ લેતો રહ્યો અને થોડી જ વારમાં તેણે 5 વિકેટ લઈને મોટી સિદ્ધિ નોંધાવી હતી. અંશુલ કંબોજે ઈન્ડિયા B વિરુદ્ધ પ્રથમ દાવમાં 23.5 ઓવરમાં 66 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 7 મેડન ઓવર પણ ફેંકી હતી.
અંશુલ કંબોજ બોલિંગ ઓલરાઉન્ડર છે
હરિયાણાના કરનાલમાં 6 ડિસેમ્બર, 2000ના રોજ જન્મેલા અંશુલ કંબોજ બોલિંગ ઓલરાઉન્ડર છે. તેણે IPL 2024ની છેલ્લી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં અંશુલને ડેબ્યૂ કરવાની તક આપી હતી. ત્યારબાદ અંશુલે હૈદરાબાદના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડને એક શાનદાર બોલથી આઉટ કર્યો હતો પરંતુ બાદમાં તે બોલ નો બોલ બન્યો હતો. આ પછી અંશુલે મયંક અગ્રવાલને આઉટ કરીને IPLમાં પ્રથમ વિકેટ લીધી હતી.
અંશુલ કંબોજની ક્રિકેટ કારકિર્દી
23 વર્ષીય જમણા હાથના ફાસ્ટ બોલર અંશુલ કંબોજે 14 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 27 વિકેટ લીધી છે, જેમાં તેની શ્રેષ્ઠ બોલિંગ મેચમાં 56 રનમાં 6 વિકેટ છે. અંબુજના નામે 15 લિસ્ટ A મેચમાં 23 વિકેટ છે, જ્યારે તેણે 12 T20 મેચમાં 13 વિકેટ ઝડપી છે. અંશુલ ઈન્ડિયા 19 ટીમ તરફથી રમી ચૂક્યો છે. તેણે 2022માં ત્રિપુરા સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અંશુલની શાનદાર બોલિંગના કારણે ઈન્ડિયા C ટીમે ઈન્ડિયા Bની પ્રથમ ઈનિંગમાં 309 રનમાં 7 વિકેટ ઝડપી છે.