મણીપુરની હિંસાને મુદ્દે આજે આદિવાસી વિસ્તાર સજ્જડ બંધ, સરકારને ચૈતર વસાવાની ચીમકી
- મણીપુરમાં અઢી મહિનાથી હિંસા ચાલી રહી છે, તેને રોકવા માટે સરકાર પગલા લે તે આશા સાથે બંધ પાડવામાં આવ્યું છે.
- બંધના એલાનને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીટીપી સહિત અનેક સંગઠનોએ સમર્થન જાહેર કર્યું.
- મણીપુરમાં હિંસાને અટકાવવા માટે સરકાર પગલા નહીં લે તો અમે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બંધનું એલાન જાહેર કરીશું: ચૈતર વસાવા
મણીપુરની ઘટનાના પગલે આજે આદિવાસી વિસ્તારમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે, બંધના એલાનને લઈને ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું કે, મણિપુરમાં અઢી મહિનાથી કુકી અને મૈતી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. તેમાં અત્યાર સુધી પુરુષ, બાળકો અને મહિલાઓ સહિત કુલ 150થી વધુ લોકોની હત્યા થઈ ચૂકી છે અને 60,000 જેટલા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે જંગલો તરફ ભાગી ગયા છે. અને ગામેગામ આગમાં બાળી નાખવામાં આવ્યા છે. આ બધા મુદ્દાને લઈને આજે આદિવાસી વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને લઈને સરકારનું ધ્યાન મણીપુરની ધટના તરફ જાય તે માટે બંધ પાળવામાં આવ્યું છે.
4 દિવસ પહેલા કૂકી સમુદાયની બે મહિલાઓને નિવસ્ત્ર કરીને તેમનો જુલુસ કાઢવામાં આવ્યો હતો. 100થી વધારે મૈતી સમુદાયના પુરુષોએ તેમને જુલુસમાં ફેરવી અને તેમની સાથે જાતીય હિંસા આચરી હતી. આ ઘટનાને જોઈને આખો દેશ હચમચી ગયો છે. ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મુદ્દાને લઈને સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, દેશના રાષ્ટ્રપ્રધાન એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. આ સિવાય દેશના વડાપ્રધાન, મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની અને ગૃહ મંત્રી પણ કંઈ બોલવા માટે તૈયાર નથી. મણીપુરના મુખ્યમંત્રીએ તો તેમ કહી દીધું કે “મણિપુરમાં આવી હજારો ઘટના ઘટી છે, એટલા માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.” તો મારે તેમને એટલું જ કહેવું છે કે જો તમે કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. અમે મણીપુરના રાજ્યપાલને પણ કહીએ છીએ કે તમે પણ રાજીનામું આપી દો.
14 જિલ્લા અને 52 તાલુકા સજ્જડ બંધ:
મણીપુરમાં થયેલી આ ઘટનાના વિરોધમાં અમે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે 14 જિલ્લા અને 52 તાલુકામાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. આ બંધના એલાનને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, બિટીપી પાર્ટી સહિત અનેક પાર્ટી તથા રાજકીય લોકોએ સમર્થન આપ્યું હતું. આના સિવાય ખેડૂત સંગઠન, સામાજિક સંગઠન, ધાર્મિક સંગઠન, વેપારી સંગઠન સહિત તમામ લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું.
સરકારને ચૈતર વસાવાની ચીમકી:
બંધના એલાણને લઈને ચૈતર વસાવાએ આશા વક્ત કરી છે કે સરકાર મણીપુરમાં હસ્તક્ષેપ કરી અને ત્યાં થઈ રહેલ હિંસાને અટકાવશે. જો સરકાર દ્વારા મણીપુર હિંસા બાબતે હસ્તક્ષેપ કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં બંધનું એલાન આપવાની ચીમકી આપી છે. આ સાથે રસ્તા પર ઉતરવાની જરૂરત પડી તો રસ્તા પર પણ ઉતરવાની ચીમકી પણ આપી છે. તેમ છતાં જો સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો દિલ્હીમાં જંતર મંતર પર ધરણા પર લાખોની સંખ્યામાં બેસવાની ચેતાવણી આપી છે.
આ પણ વાંચો: મણિપુરમાં હિંસા વકરી, બે જૂથો વચ્ચે ગોળીબાર