બાંગ્લાદેશમાં હિંસાને પગલે ભારતીય દૂતાવાસે નાગરિકો માટે એડવાઈઝરી-હેલ્પલાઈન જારી કરી
- અનામતને લઈને થઈ રહેલા હિંસક વિરોધને કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ, આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસ પણ સતર્ક થઈ ગયું
નવી દિલ્હી, 18 જુલાઇ: બાંગ્લાદેશમાં અનામતને લઈને હિંસક વિરોધને કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસ પણ સતર્ક થઈ ગયું છે. ભારતે બાંગ્લાદેશમાં રહેતા તેના નાગરિકો, જેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખાસ એડવાઈઝરી અને ઈમરજન્સીની પરિસ્થિતિઓમાં મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. ભારતે કહ્યું છે કે, બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની મુસાફરી ટાળવી અને ઘરે જ રહેવું. કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં, ત્યાંના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરાવો. ભારતીય હાઈ કમિશન તેના નાગરિકોને 24 કલાક સેવા આપવા તૈનાત છે.
ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જારી કર્યો
ભારતે કહ્યું છે કે, જો તેના નાગરિકો અને વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં ફસાઈ જાય છે, તો તેઓ 880-1937400591 પર કૉલ કરીને અથવા WhatsApp દ્વારા ઢાકાના દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, તેઓ 880-1814654797 અને 880-1814654799 પર અથવા વોટ્સએપ પર કોલ કરીને ચિટાગાંવમાં ભારતના આસિસ્ટન્ટ હાઈ કમિશનના કાર્યાલયનો પણ સંપર્ક કરી શકે છે. એ જ રીતે, તેઓ રાજશાહીમાં 880-1788148696, સિલહેટમાં 880-1313076411 અને ખુલનામાં 880-1812817799 પર કૉલ કરીને મદદ મેળવી શકે છે. આ સેવાઓ 24 કલાક માટે ઉપલબ્ધ છે.
બાંગ્લાદેશમાં હિંસા કેમ ભડકી?
બે દિવસ પહેલા અનામત વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે થયેલા વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 6 લોકો મૃત્યુ પામ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ બુધવારે તમામ યુનિવર્સિટીઓને શિક્ષણ પ્રવૃત્તિઓ બંધ કરવા વિનંતી કરી હતી. કેટલીક યુનિવર્સિટીઓએ તરત જ તેનું પાલન કર્યું હતું, પરંતુ કેટલીક યુનિવર્સિટીઓએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની સલામતી માટે આગળની સૂચના સુધી વર્ગો મુલતવી રાખવા અને હોસ્ટેલ ખાલી કરવા જણાવ્યું છે. દેશની યુનિવર્સિટીઓ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે. બાંગ્લાદેશના મુખ્ય શહેરોમાં સરકારી નોકરીઓમાં અનામતની વ્યવસ્થામાં સુધારાની માંગને લઈને વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે મંગળવારે થયેલી અથડામણમાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા છ લોકોના મૃત્યુ થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ પણ જૂઓ: ચીનમાં આખા વર્ષનો વરસાદ એક જ દિવસમાં પડી ગયો, હેનાનમાં પૂરની સ્થિતિ, બેઈજિંગમાં હાઈ એલર્ટ