ટ્રેન્ડિંગવર્લ્ડ

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે લાખો લોકો થયા બેઘર, હજારો બાળકો થયા અનાથ

રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં અસંખ્ય નિર્દોષ લોકોના મોત થયા છે. રશિયન હુમલામાં ન જાણે કેટલા ઘરો બરબાદ થયા અને યુક્રેનના પૂર્વ ડોનેટ્સક વિસ્તારમાં આવા જ એક વિસ્ફોટથી આ 2 બાળકો પાસેથી તેમના પિતાનો પડછાયો છીનવાઈ ગયો છે. જ્યારે આ ભાઈઓ અને બહેનો તેમના પિતાની શોધમાં વરંડા પાસે પહોંચ્યા ત્યારે તેઓએ તેમના પિતાને લોહીથી લથપથ જોયા. તે વખતે તેમના શરીરમાં કોઈ હલચલ ન હતી. આન્દ્રેએ કહ્યું, ‘મારા પિતાનું સવારે સાત વાગ્યે અવસાન થયું.’ હાલમાં, આ ભાઈ-બહેન પોલેન્ડની સરહદ નજીકના સલામત પશ્ચિમી શહેર લ્વીવમાં સુરક્ષિત છે.

યુક્રેનમાં લાખો લોકો બેઘર અને સેંકડો બાળકો અનાથ

રશિયા દ્વારા યુક્રેન પરના સતત હુમલા અને બોમ્બ ધડાકાને કારણે લાખો લોકો બેઘર અને સેંકડો બાળકો અનાથ બન્યા છે. બંને ભાઈ-બહેનો હવે યુક્રેનના એવા બાળકોની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમના જીવન યુદ્ધને કારણે પ્રભાવિત થયા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સેંકડો બાળકો માર્યા ગયા છે અને જેઓ બચી ગયા છે તેઓ ઘેરા આઘાતમાં છે. યુદ્ધની બરબાદીએ તેમના મગજ પર તેની ભયાનક છાપ છોડી દીધી છે. તેમણે ચોક્કસપણે આ આઘાત સાથે જીવનભર જીવવું પડશે.

શુ કહ્યુ મનોવૈજ્ઞાનિકોએ?

આ યુધ્ધમાં બચી ગયેલા બાળકો સાથે કામ કરતા મનોવૈજ્ઞાનિક ઓલેકસાન્દ્રા વોલ્ખોવાએ કહ્યું, ‘જો બાળકો સુરક્ષિત વિસ્તારોમાં ગયા હોય તો પણ તેનો અર્થ એ નથી કે તેઓ તેમની સાથે જે બન્યું તે બધું ભૂલી ગયા છે.’ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઓછામાં ઓછા 483 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને લગભગ 1,000 ઘાયલ થયા છે. આ ડેટા યુક્રેનના જનરલ પ્રોસિક્યુટર ઓફિસે બહાર પાડ્યો છે.

યુનિસેફે કહ્યું આવું

આ બધા વચ્ચે યુનિસેફે કહ્યું છે કે, ‘યુક્રેનમાં કુલ 1.5 મિલિયન બાળકો ડિપ્રેશન, ચિંતા, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને તેની અસરો લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. યુક્રેનની રાષ્ટ્રીય સામાજિક સેવાએ જણાવ્યું કે લગભગ 1,500 બાળકો અનાથ થયા છે.

ડોનેત્કમાં બાળકોને સૌથી વધુ જાનહાનિ થઈ

ડોનેત્ક, કે જે યુદ્ધનું કેન્દ્ર છે, ત્યાં સૌથી વધુ બાળકોને જાનહાનિ થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ડોનેત્સ્કમાં 462 બાળકોના મોત થયા છે. જો કે, આ આંકડામાં રશિયન હસ્તકના મારિયુપોલના જાનહાનિનો સમાવેશ થતો નથી, જે ડોનેટ્સકનો જ ભાગ છે, કારણ કે યુક્રેનિયન સત્તાવાળાઓ માટે તે વિસ્તારમાં મૃતકો અને ઘાયલોને શોધી કાઢવા હવે ​​મુશ્કેલ છે.

આ પણ વાંચો: તુર્કીમાં ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એર્દોગન, શું કહ્યું PM મોદી સહિતના વૈશ્વિક નેતાઓએ?

Back to top button