બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હવે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. બંગાળ ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. ત્યારે તા. 9મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનની સંભાવનાને લીધે તમિલનાડું સહિત હવે ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં 11થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાંની શક્યતા રહેલી છે.
અમદાવાદ સહિત અનેક શહેરમાં વાતાવરણમાં પલટો
હવામાનની આગાહી મુજબ અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. આ સહિત અમરેલી, આણંદ, અરવલ્લી તેમજ બનાસકાંઠામાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. આ સાથે આણંદમાં મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે.
આ પણ વાંચો: ‘મૈંડૂસ’ ચક્રવાતનો તમિલનાડુ, આંધ્રા, અને પુડ્ડચેરીમાં ખતરો, તંત્ર એલર્ટ મોડમાં
રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ
રાજ્યના વાતાવરણની વાત કરવામાં આવે તો હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. સવારમાં ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જો કે સત્તાવાર રીતે શિયાળીની શરૂઆત થઇ ગઇ હોવા છતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘણુ ઓછું છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીથી લોકોને રાહત મળી છે. પરંતું છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
લો પ્રેશરના અસરરૂપે માવઠાંની શક્યતા
હવામાન સૂત્રોના જણાવ્યા અનુસાર લો-પ્રેશરની સિસ્ટમ આંધ્રપ્રદેશ-તામિલનાડુના કાંઠાથી અરબી સમુદ્ર તરફ આગળ વધી શકે છે. એટલે કે લો-પ્રેશરની અસરથી 11થી 15 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. જોકે આ પહેલાં વાતાવરણ બદલી શકે છે અને માવઠું થવાના સમયમાં ફેરફાર થઈ શકે છે.